કોંગ્રેસ સંસદીય પક્ષના પ્રમુખ સોનિયા ગાંધીને પેટ સંબંધિત સમસ્યાઓને કારણે સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્યમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેમની તબિયત સ્થિર છે. જાકે, હોસ્પિટલે મંગળવારે કહ્યું કે તેમના ડિસ્ચાર્જની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ૭૮ વર્ષીય સોનિયા ગાંધીને રવિવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ચેરમેન અજય સ્વરૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ સારવારનો સારો પ્રતિભાવ આપી રહ્યા છે. તેઓ પેટના ચેપથી સ્વસ્થ થઈ રહ્યા છે.” તેમણે વધુમાં કહ્યું, “તેમના આહાર પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે. સાવચેતી રૂપે, તેમના ડિસ્ચાર્જની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.” ડા. એસ. નંદી અને ડા. અમિતાભ યાદવની એક ટીમ તેમના સ્વાસ્થ્ય અને આહાર પર નજીકથી નજર રાખી રહી છે.
તમને જણાવી દઈએ કે ૯ જૂને સોનિયા ગાંધીની આ જ હોસ્પિટલમાં તબીબી તપાસ કરવામાં આવી હતી. આના બે દિવસ પહેલા, તેમણે હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ શિમલાની ઈન્દીરા ગાંધી મેડિકલ કોલેજમાં કેટલાક પરીક્ષણો પણ કરાવ્યા હતા. તેમને સર ગંગા રામ હોસ્પિટલના ‘ગેસ્ટ્રોએન્ટરોલોજી’ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના પત્ની છે. સોનિયા ગાંધીનો જન્મ ૯ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ ઇટાલીના વેનેટો પ્રદેશના લુસિયાનામાં થયો હતો. તેમનું બાળપણ ઓર્બાસનોમાં વિતાવ્યું અને તેમણે ઇંગ્લેન્ડના કેમ્બ્રજમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો, જ્યાં તેઓ રાજીવ ગાંધીને મળ્યા. ૧૯૬૮ માં, તેમણે રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા અને ભારત ગયા. લગ્ન પછી, તેમણે ભારતીય નાગરિકતા લીધી.
૧૯૯૧ માં તેમના પતિ રાજીવ ગાંધીની હત્યા પછી, તેમને કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે શરૂઆતમાં ઇનકાર કર્યો હતો. બાદમાં, ૧૯૯૭ માં, તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને ૧૯૯૮ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રમુખ છે. તેઓ ૧૯૯૮-૨૦૧૭ અને પછી ૨૦૧૯-૨૦૨૨ સુધી વચગાળાના પ્રમુખ હતા. તેમના નેતૃત્વ હેઠળ, કોંગ્રેસ પક્ષે ૨૦૦૪ અને ૨૦૦૯ ની સામાન્ય ચૂંટણીઓ જીતી અને યુપીએ સરકાર બનાવી. ૨૦૦૪માં કોંગ્રેસની જીત બાદ, સોનિયા ગાંધીએ વડા પ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ સ્વર્ગસ્થ ડા. મનમોહન સિંહને આ પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા.