સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષના હોબાળા વચ્ચે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં સોનિયા ગાંધીએ ખેડૂતો, મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે રાજ્યસભાના ૧૨ સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવાની વાતને અભૂતપૂર્વ અને અસ્વીકાર્ય ગણાવી હતી. સોનિયા ગાંધીએ કહ્યું કે અમે સસ્પેન્ડેડ સાંસદો સાથે એકતાથી ઊભા છીએ.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભાના ૧૨ સાંસદોના સસ્પેન્શન પર કહ્યું હતું કે સંસદના સમગ્ર શિયાળુ સત્રમાંથી તેમનું સસ્પેન્શન બંધારણ અને કાઉન્સિલ ઓફ સ્ટેટ્‌સમાં કાર્યપ્રણાલી અને કારોબારના નિયમો બંનેનું ઉલ્લંઘન કરે છે, આ નિર્ણયે અમને બધાને હચમચાવી નાંખ્યા છે. આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષે પીએસયુ ડિસઇન્વેસ્ટમેન્ટ પર કેન્દ્ર સરકારની ટીકા કરતાં કહ્યું કે, મોદી સરકાર ભારતની સંપત્તિ વેચી રહી છે, સરકાર દ્વારા જાહેર સાહસોને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર પાસે બિઝનેસ કરવા માટે કોઈ વ્યવસાય નથી.
નાગાલેન્ડમાં નાગરિકોની હત્યાઓ પર સોનિયા ગાંધીએ કેન્દ્રની મોદી સરકારની ટીકા કરતાં કહ્યું કે, કેન્દ્રનું ખેદ વ્યક્ત કરવું પૂરતું નથી, સરકારે આવી ભયાનક દુર્ઘટનાઓની કોઈપણ ઘટનાને રોકવા માટે વિશ્વસનીય પગલાં લેવા પડશે. સોનિયા ગાંધીએ નાગાલેન્ડમાં હત્યાનો ભોગ બનેલા પરિવારો માટે ન્યાયની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, મારે નાગાલેન્ડની દુઃખદ ઘટનાઓ પર સામૂહિક રીતે ઊંડું દુઃખ વ્યક્ત કરવું જાઈએ, જેમાં ઘણા નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને એક સુરક્ષાકર્મી પણ માર્યો ગયો. પીડિત પરિવારોને વહેલી તકે ન્યાય મળે તે સુનિશ્ચિત કરવું જાઈએ.
સોનિયા ગાંધીએ જણાવ્યુ હતું કે જે ૭૦૦ ખેડૂતોએ ખેડૂત આંદોલન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે, મોદી સરકારે તેમનું સન્માન કરવું જાઈએ. બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ વડાપ્રધાન સામે આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે સરકાર ખેડૂતો સામે આકરું વલણ આપવાની રહી છે. સોનિયાએ કહ્યું કે તે ૭૦૦ ખેડૂતોનું સન્માન કરવું જાઈએ જેમણે આંદોલન દરમિયાન પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે.
સોનિયા ગાંધીએ જણાવ્યુ હતું કે મોદી સરકાર સામાન્ય જનતા પ્રત્યે અસંવેદનશીલ છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં સામાન્ય જનતાને મુશ્કેલીઓ પડી રહી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે જે રીતે જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, તેની સામે સામાન્ય જનતા માટે તો જીવવાનું પણ મુશ્કેલ બની ગયું છે. સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યુ હતું કે કેન્દ્રની મોદી સરકાર ભારતની સંપત્તિ વેચી રહી છે. સોનિયા ગાંધીએ બેઠક દરમિયાન ૧૨ સાંસદોને સસ્પેન્ડ કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું કે મોંઘવારી, બેરોજગારી, કૃષિ સંકટ, ચીનનો કબજા બધાના મૂળ એક જ છે- મોદી સરકારનું અભિમાન, મિત્ર-પ્રેમ અને નિષ્ફળતા. અન્યાય સામે અમારો અવાજ ઉઠાવવાની સાથે અમે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જનતાના મુદ્દાઓને ઉકેલી રહ્યા છીએ. લોકોની મનની વાત સાંભળી રહ્યા છીએ.