નાનાભાઈ ભટ્ટ કહેતા હતા કે ‘શિક્ષણનું મૂળ કાર્ય આદર્શ નાગરિકો નિર્માણ કરવાનું છે.’ આજનું શિક્ષણ કઈ રીતે કમાવું અને ભૌતિકવાદ તરફ પ્રયાણ કરવું તે શીખવે છે. સાચું શિક્ષણ સમાજમાં જે નૈતિક મૂલ્યો છે તે વિદ્યાર્થી કેળવે અને તે પ્રમાણે રાષ્ટ્રમાં ઉન્નત જીવન જીવે તે સાચું શિક્ષણ છે.
શિક્ષણ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણક્ષેત્રમાં પડેલી વ્યક્તિઓ પોતાની શૈક્ષણિક કાર્યક્ષમતાને તેમજ પોતાના કૌશલ્યોને વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. શિક્ષણ મહાવિદ્યાલયમાં પ્રશિક્ષણ લીધા પછી શિક્ષક વ્યવસાયમાં પ્રવેશે છે. તાલીમ એ શિક્ષક માટેના નવપ્રસ્થાન માટેની સંજીવની છે. તેને બદલે તે ક્યારેક ટાઈમપાસ બની જાય છે. શિક્ષણના વ્યવસાયની તાલીમી કાલેજમાં તાલીમ લીધા બાદ સમય પસાર થતા શિક્ષકની તાલીમ કાલગ્રસ્ત બની જાય છે. શિક્ષણમાં પલટાતા વહેણોથી શિક્ષણક્ષેત્રે પણ નૂતન આવિષ્કારો, સંશોધનો થતાં નવાનવા પરિવર્તનો આવતા જાય છે. આમ અભ્યાસક્રમમાં આવતા પરિવર્તનો શિક્ષણક્ષેત્રે જન્મતા પરિવર્તનોને પામવા માટે શિક્ષકને પોતના સેવાકાળ દરમિયાન પૂરતી તકો પૂરી પાડવી જોઇએ. નૂતન પરિવર્તનોને પહોચી વળવાની જે શિક્ષકમાં સજ્જતા નથી તે સાચો શિક્ષક કહી શકાય નહી. આથી શિક્ષકને તેના સેવાકાળ દરમિયાન શિક્ષણ અંગેના નવા વિચારો, પધ્ધતિ, સિધ્ધાંતો વગેરેનો પરિચય કરવા, તેની વ્યવસાયિક ક્ષમતા અને કૌશલ્યોમાં વધારો કરવા માટે જે પ્રકારની તાલીમ તેની ચાલુ નોકરીએ કે સેવાકાળ દરમિયાન આપવામાં આવે છે તેને સેવાકાલીન તાલીમ કહેવામાં આવે છે.
શિક્ષક-શિક્ષણ એ આધુનિક સંકલ્પના છે. સ્વાતંત્ર પહેલા શિક્ષક – શિક્ષણ માટે શિક્ષક – પ્રશિક્ષણ એવો શબ્દ પ્રયોજાતો હતો પરંતુ પ્રશિક્ષણ એટલે તાલીમ. સામાન્ય રીતે તાલીમ સર્કસના પ્રાણીઓને અપાય છે. માનવ માટે તો શિક્ષણ જ અપાય.
શિક્ષણની વિવિધ વ્યાખ્યાઓ મહાન તત્વચિંતક અને કેળવણીકારોએ આપી છે જેમકે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે, “શિક્ષક ત્યાં સુધી સાચું શિક્ષણ ક્યારેય આપી શક્તો નથી કે જ્યાં સુધી તે પોતે શીખતો ન હોય. એક દીવાને ત્યારે જ જલતો રાખી શકે જ્યારે તે પોતે જ પ્રદીપ્ત હોય.”
સેવાકાલીન તાલીમના મહ¥વ પર ભાર મૂકતા રાષ્ટ્રીય શિક્ષણ પંચ કોઠારી કમિશને પણ નોંધ્યું છે કે – “જ્ઞાનના સમગ્ર ક્ષેત્રોમાં થઈ રહેલી કે થવાની તીવ્ર પ્રગતિ અને શિક્ષણના સિદ્ધાંતો અને સંશોધન કે પ્રયોગોને કારણે નિરંતર થતા વિકાસને કારણે શિક્ષણના વ્યવસાયમાં સેવાકાલીન પ્રશિક્ષણની ખાસ જરુર છે.”
સેવાકાલીન શિક્ષણ એ શિક્ષકો અને વ્યસાયિકો માટેનું પૂર્વકાલીન શિક્ષક-શિક્ષણ લીધા પછીનું શિક્ષણ છે. જે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેમની ક્ષમતાઓમાં સુધારો લાવે છે. સેવાકાલીન શિક્ષણ એ શિક્ષકો અને શિક્ષણમાં કાર્યરત એવા સૌને નિરંતર વિકાસ થાય તે માટેની પ્રવૃત્તિઓનો કાર્યક્રમ છે. સેવાકાલીન પ્રશિક્ષણમાં એવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે કે જેમનો ધ્યેય નોકરી કરતા શિક્ષકોનું વ્યાવસાયિક જ્ઞાન, અભિરુચિ અને કૌશલ્યો વિકાસ કરી તેમને સુદ્રઢ બનાવે છે. ગાંધીજીના મતે હૃદય, હાથ અને માથા એટલે કે ત્રણ એચની કેળવણી અનિવાર્ય છે.
સેવાકાલીન શિક્ષણ- પ્રશિક્ષણની સંકલ્પના ઉપરોક્ત વ્યાખ્યા પરથી સેવાકાલીન શિક્ષક-શિક્ષણની સંકલ્પના નીચેના મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે.
૧. સેવાકાલીન શિક્ષક-શિક્ષણ એ વ્યાવસાયિક જ્ઞાનમાં વધારો કરે છે.
૨. શિક્ષકોના વ્યાવસાયિક કૌશલ્યો જેવા કે વહીવટી કૌશલ્યો, સંચાલન કૌશલ્યો, નિવૃત્તનાં કૌશલ્યોનો વિકાસ થાય છે.
૩. શિક્ષકોમાં પોતાના વ્યવસાય પ્રત્યેનું વલણ હકારાત્મક હોવુ જોઈએ.
૪. શિક્ષક પોતાના શિક્ષણના વ્યવસાયમાં સેમિનાર
પ્રવૃત્તિઓ, વર્કશોપમાં ભાગ લેતો હોવો જોઈએ.
૫. શિક્ષક પોતાના વ્યવસાય પ્રત્યે નિયમિતતા દાખવતો હોવો જોઈએ.
૬. શિક્ષક સારા આચરણો ધરાવતો હોવો જોઈએ.
૭. શિક્ષક વિષયવસ્તુનો જાણકાર હોવો જોઈએ.
૮. શિક્ષક વ્યસન મુક્ત હોવો જોઈએ.
૯. શિક્ષક માટે બાળકો અન્નદાતા હોવા જોઈએ. તેના સર્વાંગી વિકાસ માટે કર્મયોગી બનીને શિક્ષણ કાર્ય કરતો હોવો જોઈએ
૧૦. શિક્ષક રાષ્ટ્રપ્રેમી અને ઉદ્યમી હોવો જોઈએ. Mo.૯૮૨૫૭૦૨૨૮૨