અભિનેત્રી સેલિના જેટલીના ભાઈ, નિવૃત્ત મેજર વિક્રાંત જેટલી, યુએઇ કસ્ટડીમાં છે. આ મામલે ભારતમાં દિલ્હી હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આજે કેસની સુનાવણી થઈ, અને કોર્ટે કેસ સાથે સંબંધિત નવા તથ્યો રેકોર્ડ પર લાવવા માટે વધારાનું સોગંદનામું દાખલ કરવા માટે સમય આપ્યો. સેલિના જેટલી દ્વારા દાખલ કરાયેલી અરજીમાં તેમના ભાઈ માટે પૂરતી કાનૂની સહાય અને સંદેશાવ્યવહારની સુવિધાની માંગ કરવામાં આવી છે. આ કેસમાં આગામી સુનાવણી હવે ૩ ફેબ્રુઆરીએ થશે. સેલિના જેટલીએ હવે આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારને અપીલ કરી છે.
સુનાવણી દરમિયાન કોર્ટમાં પહોંચેલી સેલિના જેટલીએ કહ્યું, “આખો દેશ મેજર વિક્રાંત સાથે ઉભો છે. મારું માનવું છે કે આપણે તે બિંદુ સુધી પહોંચવાની નજીક છીએ. મને ભારત સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારને વિનંતી કરું છું કે મેજર વિક્રાંતને જલ્દીથી તેમના દેશમાં પાછા લાવે. ફક્ત હું જ નહીં, પરંતુ આખો દેશ ઇચ્છે છે કે મેજર વિક્રાંત શક્્ય તેટલી વહેલી તકે તેમના દેશમાં પાછા ફરે.” જાહેરાત
જ્યારે સેલિના જેટલી તેના ભાઈને પાછા લાવવા માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારે તેની ભાભી ચારુલ જેટલી સાથેનો કૌટુંબિક વિવાદ પણ આ મામલે સામે આવ્યો છે. અગાઉની સુનાવણીમાં, દિલ્હી હાઈકોર્ટે વિદેશ મંત્રાલયને સેલિના અને તેના ભાઈ વચ્ચે વાતચીત સરળ બનાવવા અને યુએઈ અધિકારીઓ સાથે સંકલન કરવા માટે “નોડલ અધિકારી” ની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો. સેલિનાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું, જ્યારે તેની ભાભી, ચારુલ જેટલીએ આ કાનૂની પહેલના હેતુ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
મેજર વિક્રાંતના વ્યાવસાયિક જીવન વિશે બોલતા, તેમના વકીલે જણાવ્યું હતું કે વિક્રાંત ૨૦૧૬-૧૭ માં અકાળ નિવૃત્તિ લીધા પછી દુબઈમાં સ્થાયી થયો હતો. વકીલના જણાવ્યા મુજબ, અધિકારીઓએ માહિતી આપી છે કે આ કેસ રાષ્ટ્રીય સુરક્ષા અને સાયબર ગુનાઓ સાથે સંબંધિત હોઈ શકે છે, જે ચોક્કસપણે તે કંપનીઓ સાથે જાડાયેલો છે જેની સાથે વિક્રાંત કામ કરતો હતો.