(એ.આર.એલ),મુંબઇ,તા.૨૪
ભારતીય શેરબજારમાં આજે જબરદસ્ત વધઘટ જાવા મળી હતી. દરમિયાન, બંને મુખ્ય સૂચકાંકો બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી ૫૦ એ આજે ઇતિહાસ રચ્યો હતો. જ્યાં એક તરફ સેન્સેક્સે પ્રથમ વખત ૮૫,૦૦૦નો આંકડો પાર કર્યો છે, તો બીજી તરફ નિફ્ટી ૫૦એ પણ પ્રથમ વખત ૨૬,૦૦૦નો આંકડો પાર કર્યો છે. સપ્તાહના બીજા દિવસે, સેન્સેક્સ ૮૫,૧૬૩.૨૩ પોઈન્ટની તેની જીવનકાળની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો અને નિફ્ટી ૫૦ તેની જીવનકાળની સર્વોચ્ચ સપાટી ૨૬,૦૧૧.૫૫ પોઈન્ટને સ્પર્શ્યો હતો. જાકે અંતે બંને ઇન્ડેક્સ મામૂલી નુકસાન સાથે બંધ થયા હતા.
મંગળવારે બીએસઇ સેન્સેક્સ ૧૪.૫૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪,૯૧૪.૦૪ પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ૧.૩૫ પોઈન્ટના મામૂલી વધારા સાથે ૨૫,૯૪૦.૪૦ પોઈન્ટ પર બંધ થયો હતો. આજે સેન્સેક્સની ૩૦માંથી ૧૬ કંપનીઓના શેર લીલા નિશાનમાં અને ૧૪ કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. એ જ રીતે નિફ્ટી ૫૦માંથી ૨૫ કંપનીઓના શેર લીલા નિશાનમાં અને ૨૫ કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં ટાટા સ્ટીલના શેરમાં આજે સૌથી વધુ ૪.૩૨ ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય પાવર ગ્રીડના શેર ૨.૭૦ ટકા, ટેક મહિન્દ્રા ૧.૮૮ ટકા, એચસીએલ ટેકના શેર ૧.૪૯ ટકાના વધારા સાથે બંધ થયા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, સન ફાર્મા, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, મારુતિ સુઝુકી, ટીસીએસ, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફોસીસ, એનટીપીસી અને અદાણી પોર્ટના શેર પણ લીલા નિશાનમાં બંધ થયા હતા.
બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવરનો શેર આજે મહત્તમ ૨.૪૬ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ૧.૫૪ ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૧૬ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૧.૧૩ ટકા અને ટાઇટન ૧.૦૦ ટકાના નુકસાન સાથે બંધ થયા હતા. આ ઉપરાંત નેસ્લે ઈન્ડયા, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્‌સ, બજાજ ફિનસર્વ, એક્સસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડયા,
આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં પણ ઘટાડો થયો હતો.