સ્થાનિક શેરબજારે બુધવારે નવા વર્ષની શરૂઆતનું સ્વાગત કર્યું અને તે વધારા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ બેન્ચમાર્ક સેન્સેક્સ ૩૬૮.૪ પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે ૭૮,૫૦૭.૪૧ પર બંધ રહ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી ૫૦ પણ કારોબારના અંતે ૯૮.૧ પોઈન્ટના વધારા સાથે ૨૩૭૪૨.૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો.એચડીએફસી બેંક, લાર્સન એન્ડ ટુબ્રો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા પસંદગીના હેવીવેઇટ્સની આગેવાની હેઠળ નવા વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં લગભગ અડધા ટકાનો વધારો થયો હતો.
આજના કારોબારમાં સેન્સેક્સના ૩૦માંથી ૨૪ શેર લીલા નિશાનમાં બંધ થયા છે. દાવંગેરે સુગર કંપની લિમિટેડ, ફોસ ઇન્ડિયા લિમિટેડ, સેન્ચ્યુરી પ્લાયબોર્ડ્સ (ઇન્ડિયા) લિમિટેડ, ટેક્નો ઈલેક્ટ્રીક એન્ડ એન્જીનિયરિંગ કંપની લિમિટેડ અને સ્ટ્રાઈડ્સ ફાર્મા સાયન્સ લિમિટેડ ટ્રેડના અંતે ટોચના નિફ્ટી ગેનર્સમાં હતા. જ્યારે ટીવીએસ, હોલ્ડીંગસ લિમિટેડ, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ, ડીએસજે કીપ લ‹નગ લિમિટેડ, ટાઈમસ્કેન લોજિસ્ટીક્સ (ઇન્ડિયા) લિમિટેડ અને કેન ફિન હોમ્સ લિમિટેડના શેર્સ ટોપ લોઝર તરીકે ઉભરી આવ્યા હતા.
બીએસઇ પર લિસ્ટેડ ૪,૦૬૪ શેરોમાંથી ૨,૭૪૧ વધ્યા, ૧,૨૨૬ ઘટ્યા અને ૯૭ યથાવત હતા. ઉપરાંત, ૩૭૪ શેર તેમની ઉપલી સર્કિટને સ્પર્શ્યા, જ્યારે ૨૦૫ શેર તેમની નીચલી સર્કિટને સ્પર્શ્યા. આજના વેપારમાં બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ ૦.૫% અને બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સ ૧% વધ્યા છે.બીએસઇ,એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સે પણ ૧.૭% નો મજબૂત વધારો નોંધાવ્યો હતો.
એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે ૪,૬૪૫.૨૨ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. વૈશ્વીક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૮૮% વધીને ઇં૭૪.૬૪ પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. તમને જણાવી દઈએ કે, સમગ્ર ૨૦૨૪માં સેન્સેક્સ ૫,૮૯૮.૭૫ પોઈન્ટ્સ અથવા ૮.૧૬% અને નિફ્ટી ૧,૯૧૩.૪ પોઈન્ટ્સ અથવા ૮.૮૦% વધ્યા હતા. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે બુધવારે જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૪માં કુલ જથ્થાબંધ વેચાણ ૩૦ ટકા વધીને ૧,૭૮,૨૪૮ યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં ૧,૩૭,૫૫૧ યુનિટ હતું.
સેન્સેક્સ શેરોમાં બુધવારે મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ, એચડીએફસી બેન્ક અને એક્સિસ બેન્ક વધ્યા હતા. ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ઝોમેટો, એચસીએલ ટેક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર અને ટેક મહિન્દ્રા ઘટ્યા હતા.’