(એ.આર.એલ),મુંબઇ,તા.૨
વૈશ્વીક શેરબજારોની સથવારે તેમજ ફેડ રિઝર્વની જાહેરાતના પગલે સેન્સેક્સ આજે સુધારા તરફી ખૂલ્યા બાદ ઈન્ટ્રા ડે ૭૪૮૧૨.૪૩ની ટોચે પહોંચ્યા બાદ અંતે ૧૨૮.૩૩ પોઈન્ટ ?સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૦ સતત ત્રીજા દિવસે ૨૨૬૦૦થી વધુ સપાટીએ બંધ આપી તેજી તરફી ચાલનો સંકેત આપ્યો છે.
નિફ્ટી ૫૦ આજે ૪૩.૩૫ પોઈન્ટ સુધરી ૨૨૬૪૮.૨૦ પર બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે રોકાણકારોની મૂડી રૂ. ૨ લાખ કરોડ વધી હતી. સેન્સેક્સમાં આજે ૪૫૧ પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. માર્કેટ સુધારા તરફી રહેવાના અંદાજ સાથે પ્રોફિટ બુકિંગ વધ્યું હતું, જેથી ૩૨૯ પોઈન્ટ ઉછળ્યા બાદ સેન્સેક્સ ઘટ્યો હતો. એચડીએફસી બેન્ક, પાવરગ્રીડમાં વોલ્યૂમના પગલે પોઝિટીવ બંધ રહ્યો હતો.
મીડકેપ શેરોમાં આજે મોટાપાયે લેવાલી નોંધાતા એસએન્ડપી બીએસઇ મીડકેપ ૪૨૫૬૪ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. અંતે ૩૮૧.૭૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ ૪૨૫૦૩.૧૩ પર બંધ રહ્યો હતો. ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર ઈન્ડેક્સ પણ આજે સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો.
ફેડ રિઝર્વે વ્યાજદરો યથાવત રાખતાં આ વર્ષના અંત સુધી કોઈ ઘટાડો ન કરવાની જાહેરાત કરતાં વૈશ્વીક સ્તરે શેરબજારોમાં તેજી આવી છે. ડાઉ જાન્સ ૩૦૦થી વધુ પોઈન્ટ ઊછળ્યો હતો. જેના લીધે વિદેશી રોકાણ વધવાની સંભાવના સાથે સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા છે.
બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ ૩૯૫૭ સ્કીપ્સ પૈકી ૧૯૧૨માં સુધારો અને ૧૯૨૪માં ઘટાડો નોંધાયો હતો. ૨૬૮ સ્કીપ્સ વર્ષના ટોચે અને ૧૨ સ્કીપ્સ વર્ષના તળિયે પહોંચી હતી. સેન્સેક્સ પેકીની ૧૮ સ્કીપ્સ ગ્રીન અને ૧૨ સ્કીપ્સ રેડ ઝોનમાં બંધ રહી હતી. જે માર્કેટ બ્રેડ્‌થ પોઝિટીવ રહેવા સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે.