ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઈ જતું એક એમઆઇ-૧૭ હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના કુરનૂલમાં ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ આ હેલિકોપ્ટરમાં તેમના પત્નીની સાથે કેટલાંક વધુ સૈન્ય અધિકારીઓ સામેલ હતા. જા કે આ પહેલી વખત નથી જ્યારે જનરલ બિપિન રાવત કોઈ દુર્ઘટનાનો ભોગ બન્યાં હોય, આ પહેલાં વર્ષ ૨૦૧૫માં પણ તેઓ એક હેલિકોપ્ટરમાં સવાર હતા તે ચોપર પણ ક્રેશ થયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં તેઓનો આબાદ બચાવ થયો હતો.
આ ઘટના ઘટી હતી ફેબ્રુઆરી ૨૦૧૫માં જ્યારે લેફટનન્ટ જનરલ બિપિન રાવત સેનાની દિમાપુર સ્થિત ૩-કોરના હેડક્વાર્ટરના પ્રમુખ હતા. દિમાપુરથી જ્યારે તેઓ ચિત્તા હેલિકોપ્ટરમાં સવાર થઈને નીકળ્યા કે અચાનક જ થોડી ઉંચાઈ પર તેમના ચોપરે નિયંત્રણ ગુમાવ્યું અને હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ ઘટનાની પાછળ એન્જિન ફેલ થયું હોવાનું સામે આવ્યું હતું. આ દુર્ઘટનામાં જનરલ રાવતને સામાન્ય ઈજા થઈ હતી.
સેનાએ ૨૦૧૫ની દુર્ઘટના અંગે ખુલાસો કર્યો હતો કે હેલિકોપ્ટર જમીનથી માત્ર ૨૦ મીટરની ઉંચાઈએ જ પહોંચ્યું હતું. આ દરમિયાન સિંગલ એન્જિનના આ ચોપરમાં કંઈક ગરબડ ઊભી થઈ હતી અને તેના બંને પાયલટ હેલિકોપ્ટર પરથી નિયંત્રણ ગુમાવી બેઠા હતા. સદનસીબે આ ક્રેશમાં કોઈનો પણ જીવ ગયો ન હતો.સુત્રોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં પણ વાયુસેનાએ ઉચ્ચસ્તરીય તપાસ કરી હતી.