આખરે સેંથિલ બાલાજીએ કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું. ઈડી દ્વારા ૮ મહિના પહેલા મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. બાલાજીએ તમિલનાડુના રાજ્યપાલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. આ પહેલા બુધવારે તમિલનાડુની સેશન્સ કોર્ટે મંત્રી વી સેંથિલ બાલાજીની રિમાન્ડ ૧૫ ફેબ્રુઆરી સુધી લંબાવી હતી. ફરિયાદ પક્ષે સેન્શીલ બાલાજીને અહીંની સેન્ટ્રલ જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રિન્સીપલ સેશન્સ જજની કોર્ટમાં રજૂ કર્યો હતો.
મૂળરૂપે, ન્યાયાધીશે ૧૧ જાન્યુઆરીએ સેંથિલ બાલાજી સામે આરોપો ઘડવા માટે કેસને આગળ ધપાવ્યો હતો. જા કે, તે દિવસે જ્યારે કેસ સુનાવણી માટે આવ્યો ત્યારે બાલાજી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એસ પ્રભાકરને કોર્ટને જાણ કરી હતી કે બાલાજીએ ટ્રાયલ મુલતવી રાખવા માટે અરજી કરી હતી. વિશેષ સરકારી વકીલ એન રમેશે કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યા બાદ ન્યાયાધીશે કેસની સુનાવણી ૨૯ જાન્યુઆરી સુધી મુલતવી રાખી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ તેનું કાઉન્ટર એફિડેવિટ દાખલ કર્યા પછી કેસ ફરીથી મુલતવી રાખવામાં આવ્યો હતો અને તેના રિમાન્ડ ૭ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યા હતા. દરમિયાન, બંને પક્ષોની વિગતવાર દલીલો સાંભળ્યા પછી, ન્યાયાધીશે કેસની સુનાવણી સ્થગિત કરવા માટે બાલાજીની અરજી પર ૧૫ ફેબ્રુઆરી સુધીનો આદેશ અનામત રાખ્યો હતો. ઈડીએ ૧૪ જૂને નોકરી માટે રોકડ સંબંધિત કેસમાં તેની ધરપકડ કરી હતી. આ બાબત અગાઉની એઆઇએડીએમકે સરકારના સમયની છે જ્યારે બાલાજી પરિવહન મંત્રી હતા. ધરપકડ બાદ તરત જ બાલાજીની ખાનગી હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા સમયાંતરે રિમાન્ડ વધારવામાં આવતા હતા. ઓગસ્ટમાં ઈડીએ બાલાજી વિરુદ્ધ ૩૦૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. મદ્રાસ હાઈકોર્ટે ૧૯ ઓક્ટોબરે બાલાજીની જામીન અરજી ફગાવી દીધી હતી. પ્રિન્સીપલ સેશન્સ જજ દ્વારા તેમની અગાઉની જામીન અરજીઓ બે વખત ફગાવી દેવામાં આવી હતી.