૨૦૨૮ના ટી ૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા કેવી હશે તેની યોજના અત્યારથી બનાવવામાં આવી રહી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે ૨૦૨૬નો ટી ૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તાજેતરના અહેવાલો અનુસાર પસંદગી સમિતિ શ્રેયસ ઐયરને ૨૦ ટીમની કેપ્ટનશીપ સોંપવા માટે ઉત્સુક છે. આનો અર્થ એ થાય કે ટીમમાં સૂર્યકુમાર યાદવનું સ્થાન જાખમમાં હોય તેવું લાગે છે, કારણ કે તે લાંબા સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, સૂર્યકુમાર યાદવના કાર્યકાળ પછી ટી ૨૦ ટીમની કમાન શ્રેયસ ઐયરને સોંપવામાં આવી શકે છે. શ્રેયસ પાસેઇન્ડિયન પ્રીમિયર લીગમાં કેપ્ટનશીપનો વ્યાપક અનુભવ છે અને હાલમાં તે ૨૦૨૬ની આઇપીએલ સીઝનમાં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે.
બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને આપવામાં આવેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે ઐયરે છેલ્લે ૨૦૨૩માં ટી૨૦ આંતરરાષ્ટીય મેચ રમી હતી અને હાલમાં તે ટીમનો ભાગ નથી. તેને ટીમમાં પાછો લાવવો અને અચાનક તેને કેપ્ટનશીપ સોંપવી એ એક મહત્વપૂર્ણ નિર્ણય હશે. હાલમાં ૨૦૨૭ના વનડે વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત છે, પરિણામે પસંદગીકારોએ ટી૨૦ ટીમના ભાવિ નેતૃત્વ પર વિચાર-વિમર્શ કરવા માટે જરૂરી સમય શોધી કાઢ્યો છે.
શ્રેયસ ઐયર કેપ્ટન તરીકે બહોળો અનુભવ ધરાવે છે. ૨૦૧૮માં ઐયરે દિલ્હી ડેરડેવિલ્સના કેપ્ટન તરીકે નિયુક્ત થયો હતો. તેના નેતૃત્વમાં જ દિલ્હી ફ્રેન્ચાઇઝ ૨૦૨૦ આઈપીએલ સીઝનની ફાઇનલમાં પહોંચી હતી. ૨૦૨૨માં તે કોલકાતા નાઈટ રાઇડર્સમાં જાડાયો અને માત્ર બે વર્ષ પછી ૨૦૨૪માં કેકેઆર ટીમે ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટ્રોફી જીતી.
તેણે પંજાબ કિંગ્સનું નસીબ પણ બદલી નાખ્યું છે. ૨૦૧૪થી ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહેલી પંજાબ ટીમને શ્રેયસ ઐયરે તેના નેતૃત્વમાં ૨૦૨૫ની ફાઈનલમાં પહોંચાડી હતી. વધુમાં ઐયરનું ચાલુ આઇપીએલ સીઝનમાં કેપ્ટન તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન યથાવત છે. પંજાબ વર્તમાન સીઝનમાં હજુ સુધી એકમાત્ર અપરાજિત ટીમ છે, જે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.















































