મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૫મી ડિસેમ્બર ૨૦૨૪ના સુશાસન દિવસથી મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેકનોલોજીના ત્વરિત ઉપયોગથી વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ‘સ્વાગત ૨.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ અને સ્વાગત મોબાઇલ એપનું ઈ-લોન્ચિંગ કરશે. છેલ્લા બે દાયકામાં ‘સ્વાગત’ દ્વારા ૯૮ ટકાથી વધુ રજૂઆતોનું ત્વરિત નિવારણ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનથી શરૂ થયેલા ‘સ્વાગત’ની વિશ્વસનીયતાને વધુ અદ્યતન ટેકનોલોજીયુક્ત “સ્વાગત ૨.૦”થી વધુ મજબૂત બનાવી છે. સ્વાગત એક એવું પ્લેટફોર્મ છે જેમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગના અધિકારીઓ રજૂઆતકર્તાની સમસ્યાનું નિરાકરણ કરે છે. એપ્રિલ ૨૦ર૩ થી નવેમ્બર ૨૦૨૪ સુધીમાં સ્વાગત પોર્ટલમાં મળેલી ફરિયાદો પૈકી ૯૮.૩% અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

બોક્ષ

સ્વાગત ૨.૦ની વિશેષતાઓ ઃ
ઓટો એસ્કેલેશન મેટ્રિક્સઃ આ પદ્ધતિમાં અરજદારોની ફરિયાદોની ગંભીરતાના આધારે ગ્રીન, યલો અને રેડ ચેનલમાં વર્ગીકરણ કરવામાં આવે છે અને દરેક લેવલ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવે છે. નિયત સમયમાં કાર્યવાહી ન થાય તો ફરિયાદ આપોઆપ ઉપલા અધિકારીને મોકલી દેવામાં આવે છે. આનાથી ફરિયાદોનું ઝડપી નિવારણ સુનિશ્ચિત થાય છે. સ્વાગત મોબાઇલ એપઃ નાગરિકો હવે પોતાના મોબાઇલથી રજીસ્ટ્રેશન કરીને ઓનલાઇન ફરિયાદ કરી શકશે અને અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે. આ ઉપરાંત અરજી પર થયેલી કાર્યવાહીનો ફીડબેક પણ આપી શકાશે. આ નવી સુવિધાઓ સુશાસન દિવસ ૨૦૨૩થી પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસુલ અને પંચાયત વિભાગ તથા પાટણ અને ખેડા જિલ્લામાં કાર્યરત કરવામાં આવી હતી, જેની સફળતા બાદ હવે સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે.