દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રીઓ સહિત આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને પ્રખ્યાત કવિ ડા. કુમાર વિશ્વાસની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. સુલતાનપુરની ખાસ સાંસદ-ધારાસભ્ય કોર્ટે ૨૦૧૪ના આચારસંહિતા ભંગના કેસમાં કડક વલણ અપનાવ્યું છે અને તમામ આરોપીઓને સમન્સ પાઠવ્યા છે.
ખાસ સરકારી વકીલ કાલિકા પ્રસાદ મિશ્રાના જણાવ્યા અનુસાર, આ કેસ ૬ મે, ૨૦૧૪નો છે. તે સમયે, ડા. કુમાર વિશ્વાસ અમેઠી લોકસભા મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. એવો આરોપ છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન, તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર મોહમ્મદ હમીદે તેમને અને તેમના સમર્થકોને આ વિસ્તાર છોડી દેવાની સૂચના આપી હતી, કારણ કે તેઓ ત્યાંના મતદાતા નહોતા. ચૂંટણી પંચના નિયમો અનુસાર, મતદાન પહેલાં ૪૮ કલાક સુધી બહારના લોકોને મતવિસ્તારમાં રહેવાની મનાઈ છે.
વહીવટીતંત્ર તરફથી વારંવાર સૂચનાઓ આપવા છતાં, કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન, સોમનાથ ભારતી અને તેમના સમર્થકો આ વિસ્તાર છોડીને ગયા ન હતા, જેના પગલે પોલીસે તેમની સામે આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો કેસ દાખલ કર્યો હતો.
વકીલ કાલિકા પ્રસાદ મિશ્રાએ જણાવ્યું હતું કે આ કેસ અગાઉ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પેન્ડિંગ હતો. તેને તાજેતરમાં સ્પેશિયલ એમપી-એમએલએ મેજિસ્ટ્રેટ શુભમ વર્માની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કોર્ટે આ કેસની નોંધ લીધી અને ૩૦ એપ્રિલના રોજ તમામ આરોપીઓ સામે સમન્સ જારી કરવાનો આદેશ આપ્યો. આ કેસમાં આગામી સુનાવણી હવે ૧૫ મેના રોજ રાખવામાં આવી છે, જ્યારે બધા આરોપીઓએ રૂબરૂ હાજર રહેવું પડશે.
કોર્ટ દ્વારા સમન્સ મોકલવામાં આવેલા અગ્રણી વ્યક્તિઓમાં ડા. કુમાર વિશ્વાસ (તત્કાલીન ઉમેદવાર), સત્યેન્દ્ર જૈન (ભૂતપૂર્વ મંત્રી, દિલ્હી સરકાર), અને સોમનાથ ભારતી (ભૂતપૂર્વ મંત્રી અને ધારાસભ્ય, દિલ્હી)નો સમાવેશ થાય છે. કોર્ટના આ પગલાથી ફરી એકવાર સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.