તા.૧ મે-ર૦રર ના રોજ ગુજરાત રાજયનો સ્થાપના દિવસ છે. આ દિવસે બૃહદ મુંબઈમાંથી અલગ ગુજરાત રાજયની રચના થઈ. ભારતના રાજય બંધારણનો અમલ ર૬ જાન્યુઆરી ૧૯પ૦ માં થયો તે વખતે અગાઉના બ્રિટિશ પ્રાંતો અને રિયાસતોનું એકીકરણ થવાથી રાજયોનું ચાર વર્ગોમાં વિભાજન થયુ હતું. જેમા ચાર પ્રકારના રાજયો હતા. આ વ્યવસ્થા કામચલાઉ હતી, કાયમી ન હતી. આ સમયે ભાષાના ધોરણે રાજયની રચના કરવાની માંગણી સમગ્ર ભારત દેશમાં ઉદ્‌ભવી. તે સમયના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સંસદમાં ‘‘રાજય પુનર્રચના પંચ’’ નીમવાની જાહેરાત કરી જેમા સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલઅલી (ચેરમેન) અને બીજા બે સભ્યોમાં હૃદયનાથ કુંઝરુ અને કે.એમ. પનિકરને નીમવામાં આવ્યા. રાજય પુનઃરચના પંચે સમગ્ર દેશમાં વિવિધ પ્રજાકીય મંતવ્યો, અભિપ્રાયો, રજૂઆતો, મુલાકાતો, પત્ર વ્યવહાર દ્વારા પ્રજાના સૂચનો પ્રાપ્ત કર્યા. તેમાંથી મુંબઈનું દ્વિભાષી રાજય રચાય જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશ હોય અને તેની રાજધાની મુંબઈ હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો. આ માટે લોકસભા/રાજયસભામાં ખરડો પસાર કર્યો અને રાષ્ટ્રપતિની મંજૂરી લઈને ઈ.સ.૧૯પ૬માં પસાર અને અમલ કર્યો.
૬૩મા ગુજરાત સ્થાપના દિવસે આપણા વિકાસશીલ રાજયની ગૌરવવંતી ગુજરાતી પ્રજાને શત-શત પ્રણામ.
‘‘લાંબો ડગલો મુછો વાંકડી શિરે પાઘડી રાતી, બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી. તન છોટુ પણ મન મોટુ છે ખમીરવંતી જાતિ, ભલે લાગતો ભોળો હું છેલ છબીલો ગુજરાતી’’
આજે યુવા પેઢીને પુનઃ સ્મરણ કરવુ પડશે. સાક્ષર નગરી નડિયાદ (ખેડા)ના મહાવીર, કર્મઠ, સાદાઈ, સેવા અને પ્રજાવત્સલ મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકને આજના દિવસે અને આવતા જન્મોજન્મ યાદ રાખવા પડશે. ઈ.સ.૧૯પ૬માં મહાગુજરાત આંદોલનની શરૂઆત કરનાર, અલગ ગુજરાત રાજય અપાવનાર આ ભડવીર પ્રજાવત્સલ ઈન્દુલાલ યાજ્ઞિકને અચુક યાદ કરવા જ રહ્યા.
મહાગુજરાત આંદોલન દ્વિભાષી બૃહદ મુંબઈ રાજયમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજય માટે ઈ.સ.૧૯પ૬માં રાજકીય આંદોલન શરૂ થયું. ૮ ઓગસ્ટ ૧૯પ૬માં આંદોલનનું રણશિંગુ ફૂકાયું અને ૧ મે ૧૯૬૦માં અલગ રાજય પ્રાપ્ત થયું. મહાગુજરાતનું નામ ગુજરાતી ભાષા બોલતા ગુજરાત(તળ ગુજરાત) સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ થતો હતો એટલે આવ્યું. ભરૂચના કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ૧૯૩૭માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં આ શબ્દ વાપર્યો હતો.
ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા મુજબ મુંબઈ રાજયના મુખ્યમંત્રી બી.જી.ખેર અને ગૃહમંત્રી મોરારજી દેસાઈએ મે ૧૯૪૯માં ડાંગની મુલાકાત લીધી હતી. બી.જી. ખેરે કહ્યુ કે ડાંગના આદિવાસીઓ મરાઠી ભાષા બોલે છે. અને તેમનુ રાજ્ય એ જ હોવુ જાઈએ. ઈન્દુલાલ યાજ્ઞિક અને અન્ય લોકોએ આ ચકાસવા માટે ડાંગની મુલાકાત લીધી. ગુજરાતી સભાએ ચકાસણી માટે સમિતિ રચી અને સરકારની આલોચના કરી. ૧૯પરમાં મદ્રાસ રાજયમાંથી તેલુગુ ભાષાની બહુમતી ધરાવતા પ્રદેશોનું અલગ આંધ્ર રાજય કરવાની માંગણી આવી. તા.૧૬, ડિસેમ્બર ૧૯પરના દિવસે આંધ્ર રાજયની માંગણી કરતા ચળવળકારોમાંનો એક વ્યÂક્ત પોટ્ટી શ્રેરામુલુ આમરણાંત ઉપવાસ દરમિયાન મૃત્યુ પામ્યો. ઈ.સ.૧૯પ૩માં આંધ્રપ્રદેશની ભાષાના ધોરણે રચના થઈ.
અમદાવાદ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલા કોંગ્રેસના સ્થાનિક કાર્યાલયમાં અલગ રાજયની માંગણી લઈને ગયા ત્યારે મોરારજી દેસાઈએ તેમને સાભળ્યા નહિ અને પોલીસની કાર્યવાહીને કારણે ઘણા વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. આનુ નેતૃત્વ ઈન્દુલાલ યાજ્ઞિકે લીધુ. મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. ઈન્દુલાલ યાજ્ઞિક અને દિનકર મહેતાની ધરપકડ થઈ અને ગાયકવાડ હવેલી ખાતે રાખવામાં આવ્યા. ત્યારબાદ સાડા-ત્રણ મહિના સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા. એકબાજુ નેહરુની સભા અને બીજી બાજુ ઈન્દુલાલની સભા સમાંતર ચાલતી હતી. વડાપ્રધાનની ખુરશીમાં હોલા ઉડતા હતા જયારે ઈન્દુચાચાને સાંભળવા લોકોના ટોળે-ટોળે એકઠા થયા હતા. આ તેમનો પ્રભાવ હતો.
અલગ ગુજરાત રાજય મેળવવા વિદ્યાર્થીઓએ જાનની આહુતિ આપી છે. તે વખતની સરકારના દમન અને ત્રાસ વચ્ચે અડગ રહીને ગુજરાતી પ્રજાએ અલગ ગુજરાત રાજય પ્રાપ્ત કર્યુ. તે શહીદોને દંડવત પ્રણામ. તેમના કારણે આજે “આપણું ગુજરાત આગવું ગુજરાત” બોલી શકીએ છીએ. આજે દેશનું ઔદ્યોગિક, ખેતી, વેપાર વાણિજયનું હબ બન્યુ છે તેના માટે પાયાના દેશભક્ત ઈન્દુલાલ યાજ્ઞિક અને તેમની સાથેના કાર્યકારોને ફાળે યશ જાય છે. આવા પરિવારના સભ્યોને રાજય સરકારે વિશેષ હકો અને લાભો આપવા જાઈએ. ઈન્દુલાલ યાજ્ઞિકનું રાજયના તમામ જિલ્લા મથકે બાવલુ મૂકીને દર વર્ષે રાજય સરકાર નિયમિત રીતે પુષ્પાંજલિ આપે તે ખૂબ જરૂરી છે. સાક્ષર નગરીના આ વીર રાષ્ટ્રભક્તને નવી પેઢી સદાય યાદ રાખે તે આજના સમયની માંગ છે.
ગુજરાત રાજયના સ્થાપના દિવસે મારા રાજયની ૭ કરોડ પ્રજાને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. જય હો ઈન્દુચાચા.