રાઉસ એવન્યુ કોર્ટે ૨૦૧૦ કોમનવેલ્થ ગેમ્સના આયોજન સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીનો ક્લોઝર રિપોર્ટ સ્વીકારી લીધો છે. આ નિર્ણયથી ૧૩ વર્ષ જૂના આ કેસમાં મની લોન્ડરિંગના આરોપોનો અંત આવ્યો છે. કોર્ટે કોમનવેલ્થ ગેમ્સ ઓર્ગેનાઇઝિંગ કમિટીના ભૂતપૂર્વ વડા સુરેશ કલમાડી, સેક્રેટરી જનરલ લલિત ભનોટ અને અન્ય આરોપીઓ સામે દાખલ કરાયેલી મની લોન્ડરિંગ તપાસનો અંત લાવ્યો.

કોર્ટે નિર્ણય લીધો કે તપાસ દરમિયાન મની લોન્ડરિંગનો કોઈ ગુનો સાબિત થયો નથી અને તેથી ઈડી દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટ સ્વીકારવામાં આવ્યો.

સ્પેશિયલ જજ સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે સીબીઆઈએ ભ્રષ્ટાચાર કેસમાં આરોપીઓને પહેલાથી જ નિર્દોષ જાહેર કરી દીધા છે, જેના આધારે ઇડીએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. કોર્ટે ઈડીની દલીલ સ્વીકારી કે મની લોન્ડરિંગના ગુનાનું કોઈ સમર્થન નથી અને તેથી કેસ ચલાવવાનું કોઈ કારણ નથી.

સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે કોમનવેલ્થ ગેમ્સ માટે બે મહત્વપૂર્ણ કોન્ટ્રાક્ટની ગેરકાયદેસર ફાળવણીથી આયોજન સમિતિને ૩૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે, સીબીઆઈએ જાન્યુઆરી ૨૦૧૪ માં આ કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી અને આરોપો સાબિત થઈ શક્યા નથી.

તમને જણાવી દઈએ કે કોમનવેલ્થ ગેમ્સ ૩ થી ૧૪ ઓક્ટોબર ૨૦૧૦ દરમિયાન દિલ્હીમાં યોજાઈ હતી. પરંતુ તેના કાર્યક્રમ પહેલા, સીડલ્યુજીના મુખ્ય સ્થળ, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ પાસે નવા બનેલા પદયાત્રી પુલના તૂટી પડવાના સમાચાર આંતરરાષ્ટ્રીય સ્તરે હેડલાઇન્સમાં આવ્યા હતા. આ ઘટનાએ દિલ્હીનો ચહેરો બદલી નાખ્યો પણ શીલા દીક્ષિતના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારને સત્તા પરથી ઉથલાવી દીધી. શહેરના સૌંદર્યીકરણ અને રમતગમત વ્યવસ્થાપનના દરેક પાસાં, સ્ટ્રીટ લાઇટિંગમાં સુધારો કરવાથી લઈને સ્ટેડિયમના નવીનીકરણ સુધી, ગેરવહીવટ અને અનિયમિતતાના આરોપોથી ઘેરાયેલા હતા. સીબીઆઈએ ઓછામાં ઓછી ૧૯ એફઆઈઆર નોંધી હતી. પરંતુ છેલ્લા ૧૫ વર્ષમાં, ‘કૌભાંડ’ માટે કોઈ પણ સંજાગોમાં જવાબદારી નક્કી કરી શકાઈ નથી.