સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે-સાથે રાજકીય ઉઠાપઠક તેજ બની ગઈ છે. આ જ રાજકીય પગલાના અનુસંધાનમાં સુરેન્દ્રનગર લીંબડીમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝાટકો લાગ્યો છે. ચૂંટણી પહેલા શહેર પ્રમુખ સહિતની આખી ટીમે રાજીનામા આપી દીધા છે. તેમા પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ, મહિલા પ્રમુખ, વોર્ડ પ્રભારીએ રાજીનામા આપ્યા હતા
આમ આમ આદમી પાર્ટીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે સાત વોર્ડના પ્રભારી સહિતના કાર્યકરોએ રાજીનામા આપતા સુરેન્દ્રનગરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આમ સુરેન્દ્રનગરમાં ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીમાંથી ૨૦થી વધુ આગેવાનોએ રાજીનામા ધરી દેવાના કારણે પક્ષની સ્થિતિ કથળી છે. બધા હોદ્દેદારોએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખને રાજીનામુ આપ્યું છે.
આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગરમાં સત્તાધારી પક્ષને પડકારવા માટે બરોબરની તૈયારીઓ કરી રહી હતી તેને આ રાજીનામાના પગલે મોટો આંચકો લાગ્યો છે. તેમા પણ ચૂંટણી ટાણે તાત્કાલિક આખી નવી ટીમ બનાવવી અત્યંત કપરી હોય છે. આવા સાગમટે રાજીનામાના પગલે આમ આદમી પાર્ટીની નેતાગીરી પણ ચિંતામાં પડી ગઈ છે. તે જાણે છે કે દર વખતે શાસક પક્ષ પર બધો દોષનો ટોપલો નાખી દેવાથી કામ ચાલશે નહીં.
આમ ચૂંટણી સમયે રાજકીય પક્ષે વિપક્ષ તરીકેની ભૂમિકા આક્રમક રીતે ભજવવાની હોય તેના બદલે પક્ષ આત્મમંથનમાં સરી પડ્યો છે. ચલો આ વખતે થઈ ગયુ, પરંતુ આવું ફરીથી ચૂંટણી ટાણે ન થાય તેના માટે પક્ષે પોતાની વાડાબંધી કે કિલ્લેબંધી ચોક્કસ કરવી પડશે. આવુને આવુ ચાલુ રહ્યુ તો આગામી દિવસોમાં પક્ષની કામગીરી પર વિપરીત અસર પડી શકે છે. બીજા શહેરોમાં પક્ષના કાર્યકરોનું મનોબળ પણ નબળું પડી શકે છે. તેથી પક્ષ ચોક્કસપણે આગામી દિવસોમાં તેનું પુનરાવર્તન ટાળવા મથશે.