સુરેન્દ્રનગરમાં ચોટીલા પોલીસે સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં હથિયારોના ફોટા મૂકવા પર પ્રતિબંધ હોવા છતાં ફેમસ થવાની ઘેલછાએ ફોટો પોસ્ટ કરતા ચોટીલા પોલીસે કાર્યવાહી કરી હતી.
સુરેન્દ્રનગરમાં ચોટીલા ગામની સીમમાંથી પોતાની પાસે લાયસન્સ નહીં હોવા છતાં સિંગલ બેરલ મઝરલોડ બંદૂક સાથે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરનાર બન્નેને ઝડપી પાડવામાં આવ્યા છે. લાયસન્સ ન ધરાવનાર શખ્સ કિશોરભાઇ કોબીયા અને રણછોડભાઈ સાકળીયાને પણ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને શખ્શો વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ રાજકોટમાં સોશિયલ મીડિયા પર બંદૂક સાથે ફોટો અપલોડ કરી રૌફ જમાવતા લોકો સામે કડક કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે બંદૂક સાથે ફેસબુકમાં ફોટો અપલોડ કરનાર યુવક અને પરવાનેદાર ખેડૂતની અટકાયત કરી વિંછીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.