વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે પતિએ પત્નીને સામાન્ય બોલાચાલીમાં પથ્થર-ઈંટના ઘા મારી હત્યા નિપજાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હત્યાના બનાવથી નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી જારાવનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા, મારામારી અને લૂંટ સહિતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. ગત ૧ સપ્ટેમ્બર, સોમવારે વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે એક દુઃખદ બનાવ બન્યો હતો. અહીં ખેત મજૂરી કરતા પર પરિવારમાં પતિ તેની પત્ની પાસે વારંવાર રૂપિયા માગતો હોવાથી, બંને વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થઈ હતી.
મામલો વધતા પતિએ પત્નીને પથ્થર અને ઈંટોના ઘા માર માર્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પત્ની નુરલીબેન ઉર્ફે નુરીબેનનું મોત નીપજ્યું હતું. આ બનાવ બનતા ગામના સરપંચે જારાવનગર પોલીસ મથકમાં જાણ કરી હતી. જે બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાના મૃતદેહનો કબજા લઈ અને તેને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ પરિવાર ગુંદિયાળા ગામમાં ખેત મજૂરી કામ કરતો હતો. આ પરિવાર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ગામ રોડઠુંના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું. મહિલાનું મોત નીપજતા ત્રણ બાળકો માતા વગર બન્યા છે. આ નાના ગામમાં હત્યા થતાં જ સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ અંગે ગામના સરપંચ ભરતભાઈએ જણાવ્યું કે, આ પરિવાર ગુંદિયાળાના ઉપેન્દ્રભાઈ પેઠડીયાની વાડીમાં ખેતી કામ કરી ગુજરાત ચલાવતો હતો. પતિ-પત્ની વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થતા પતિએ પથ્થર અને ઈંટોના ઘા મારી ઈજા પહોંચાડી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી કાલીયા ઉર્ફે કાળુભાઈ મગનભાઈ ઓહરીયાને ઝડપી પાડ્યો હતો.








































