ચોટીલાનાં લાખણકા પંથકમાં વાડી વિસ્તારમાં યુવક યુવતીનો મૃતદેહ મળતાં ચકચાર મચી છે. ગત મોડી સાંજે પ્રેમી પંખીડાએ વાડીમાં દોરડે ટીંગાઈને ગળાફાંસો ખાઈ મોતને ભેટ્યા હતા. પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી છે. પોલીસની પ્રારંભીક તપાસમાં મરણજનાર બંન્ને એક જ સમાજના હોવાનું અને બંન્ને વચ્ચે કહેવાતો પ્રેમ હોવાનું જાણવા મળ્યું છે. થોડા દિવસ પહેલા બંન્ને યુવા હૈયાઓ એક થવાના કોડ સાથે ઘરેથી નીકળી ગયેલ હોવાનું કહેવાય છે. પોલીસે મૃતક બંન્ને લાશનો કબજો લઈ રાજકોટ પીએમ માટે ખસેડી છે.
બનાવની માહિતી મુજબ લાખણકા ગામનાં વાડી વિસ્તારમાં આવેલ મકાનનાં ઉપરના માળે એક યુવક યુવતી મરણ હાલતમાં હોવાની ચોટીલા પોલીસને જાણ થતાં પીઆઇ આઇ બી. વલવી તથા સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી ગયો હતો. મામલતદાર સમક્ષ પ્રાથમિક પંચનામું કરી બંન્ને મૃતદેહોને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. મરણજનાર યુવાન યુવતીનું આત્મઘાતી પગલું કે અન્ય કંઇ તે અંગે હાલ ચોટીલા પોલીસે એડી દાખલ કરી મૃતદેહ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે. બંનેનો પરિવાર ખેતીકામ સાથે જોડાયેલો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસને મરણજનાર ૨૨ વર્ષીય યુવક સાયલાનાં કોટડા ગામનો અને ૧૬ વર્ષની સગીરા વિછીંયા તાલુકાની હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે બંન્નેના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. બે દિવસ પૂર્વે વિંછીયાની સગીર યુવતીને બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયાની પોક્સો સહિતની કલમ હેઠળ મરણ ગયેલ યુવક સામે વિછીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મરણજનાર બંન્ને કોઇ વ્યક્તિ મારફત લાખણકા વિસ્તારમાં રહ્યા હતા. પરંતુ કેવા સંજાગોમાં બંનેનું મોત નિપજ્યું તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ બંન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડ્યા છે. લાખણકા વાડી વિસ્તારમાંથી મળેલ યુવક અને સગીરાના મૃતદેહ બાબતે બંન્નેના પરિવારજનો પુછપરછ અને તપાસમાં શું હકીકત ખુલે છે તે જોવાનું રહે છે.