રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માત થયો છે. સુરેન્દ્રનગરના ચોટીલા હાઇવે પર એક છકડાને અકસ્માત નડતાં મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસે ફરાર ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં ચોટીલામાં માહિતી મુજબ છકડા રીક્ષા ચાલક મજૂરી કરતા લોકોને લેવા ઊભો હતો દરમિયાન પીકઅપ ડાલાએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું મોત અને ૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પીકઅપ ડાલાનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી, બાદમાં ફરાર ડ્રાઈવર પણ પોલીસના હાથે ઝડપાયો હતો. ઘાયલોને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. હરિપર બ્રિજ પાસે ખૂબ જ ઝડપે જઈ રહેલી એક ઈકો કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ઈકો કારમાં સવાર સાત લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા.
આ ભયાનક અકસ્માતની માહિતી મળતાં, ધ્રાંગધ્રા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.