દશાળા તાલુકાના વડગામ ખાતેથી ગત ૨૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૭૧ વર્ષીય શાંતાબેન ડોડીયા નામના વૃદ્ધાની લૂંટના ઇરાદે ગળું દબાવી અથવા તો મોઢા ઉપર ડુમો દઈ હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ગુનાની પ્રાથમિક તપાસ દસાડા પોલીસ સ્ટેશન દ્વારા કર્યા બાદ કેસની તપાસ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. તપાસ બાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મજૂરી કામકાજ કરનારા ૨૪ વર્ષીય સતીશ રાજપરમાર નામના વ્યક્તિને ઝડપ્યો છે. આરોપી મૂળ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડ ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી ગુનાના કામે રૂ. ૨,૭૧,૦૦૦ના સોનાના દાગીના કબજે કરવામાં આવ્યા છે.

ઘટનાની માહિતી આપતા ધાંગધ્રા ડિવિઝન ડીવાય એસપી જે.ડી. પુરોહિતએ જણાવ્યું કે, લૂંટ વિથ મર્ડરના આ કેસને ડિટેક્ટ કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા એસપી ગીરીશ પંડ્યા દ્વારા એસઆઇટીની રચના કરવામાં આવી હતી. જે બાદ તપાસ દરમિયાન હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સ તથા જગ્યાના આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે, લૂંટ વિથ મર્ડરના ગુનામાં સામેલ આરોપી વડગામ ખાતેથી ઘટનાને અંજામ આપી મુદ્દામાલ સાથે પોતાના વતન આણંદ જિલ્લા ખાતે છુપાયેલો છે. જે બાતમીના આધારે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા તેણે પોતે ગુનો આચાર્યો હોવાની કબુલાત આપી છે.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ જે. જે. જાડેજાના જણાવ્યા અનુસાર, આ કેસમાં જે તે સમયે મૃતકના પતિ ઈશ્વરભાઈ ફરિયાદી બન્યા હતા. જોકે, હાલ જે આરોપી પકડાયો છે તે ફરિયાદી ઈશ્વરભાઈ અને મૃતક શાંતાબેનના મોટા દીકરા ભગીરથનો સગો સાળો સતીશ હોવાનું સામે આવ્યું છે. જોકે હવે આરોપી પકડાઈ જતા સમગ્ર ઘટનાની પૂછપરછ હાથ ધરાઈ હતી.

આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે કે, પોતાની બહેનના લગ્ન દસ-બાર વર્ષ અગાઉ મૃતકના મોટા દિકરા ભગીરથ સાથે થયા હતા. ત્યારે વર્ષમાં ચાર-છ મહિના થતાં તે પોતાની બહેનના ઘરે રોકાતો હતો. તેમજ પોતે કંઈ ખાસ કમાતો ન હોવાથી બહેન-બનેવી વચ્ચે પણ અવારનવાર ઝઘડા થતા હતા. સતીશ પોતે પરણિત છે. જેથી આ બનાવ બન્યાના એક અઠવાડિયા પૂર્વે જ આરોપી સતીશની પત્ની રિસામણે પોતાના પિયર જતી રહી હતી. જેથી હંમેશાની જેમ સતીશ પોતાની બહેનના ઘરે વડગામ ખાતે આવ્યો હતો. જાકે તે પોતે ખાસ કમાતો ન હતો, જેથી તેને પોતાની બહેનના ઘરે જ નજર બગાડી હતી.

જે બાદ એક રાત્રી દરમિયાન સતીશે પોતાની બહેનના વૃદ્ધ સાસુ સૂતા હતા ત્યારે તેમની પાસે જઈ તેમની બંગડી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. જે સમયે વૃદ્ધા જાગી જતા તેઓએ હોબાળો મચાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ઘરના અન્ય સભ્યોને જાણ ન થાય, તેવી બીકથી તેણે પોતાની જ બહેનના વૃદ્ધ સાસુની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ શાંતાબેને પહેરેલા તમામ દાગીનાઓ તેણે કાઢી લીધા હતા અને તે દાગીનાઓ છુપાવી દીધા હતા. ત્યારબાદ પોતાની રોજિંદી જગ્યાએ જઈ જાણે કે કંઈ બન્યું જ ન હોય તેમ સૂઈ ગયો હતો. જાકે આ ઘટના સવારે પ્રકાશમાં આવતા ઘરમાં શોકનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ શાંતાબેનની અંતિમ વિધિથી માંડીને ૧૨મા સુધીની વિધિ સુધી સતીશ પોતાની બહેનના ઘરે જ રોકાયો હતો અને જાણે સમગ્ર બનાવમાં પોતે કશું નહીં જાણતો હોવાનો ઢોંગ કરતો હતો.

શાંતાબેનની તમામ વિધિ પૂર્ણ થતાં જતા જ તે પોતાના વતન જઈ પોતાની પત્નીને તેના પિયર ખાતેથી પોતાના ઘરે લાવ્યો હતો અને પોતાની રોજિંદી જીંદગી જીવવા લાગ્યો હતો. બીજી તરફ આ ઘટનામાં મૃતક શાંતાબેનના ઘરેણાં પણ લૂંટાયેલા હતા એટલે સ્વાભાવિક રીતે માત્ર કુદરતી મોત જ નહીં પણ લૂંટ વિથ મર્ડર અંગે પોલીસે તપાસ શરૂ થઈ હતી. દરમિયાન આરોપી તરીકે મૃતકના મોટા દીકરાનો સગો સાળો સતીશ રાજપરમારનું નામ ખુલ્યું હતું. હાલ આરોપી પોલીસના સકંજામાં છે.