વડિયાના સુરવો ડેમ સુધી સૌની યોજનાની પાઇપલાઇન નાખવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે. રજૂઆત મુજબ, વડિયાની મધ્યમાંથી પસાર થતી સુરવો નદી પર વડિયામાં સુરવો ડેમ બનાવવામાં આવ્યો છે. હાલ આ સુરવો ડેમને સૌની યોજનામાં જોડવા માટે રામપુર તોરી પાસે સુરવો નદીમાં તેનું કનેક્શન આપવામાં આવ્યુ છે. ગત વર્ષે ઉનાળાના અંત ભાગમાં સુરવો નદીમાં સૌની યોજનાથી ૫૦ એમસીએફટી પાણી છોડવામાં આવ્યુ હતું. પરંતુ નવ કિલોમીટરના અંતરને કારણે તે વડિયાના સુરવો ડેમ સુધી પહોંચતા ઘણો સમય લાગ્યો હતો અને ફક્ત ૧૫ એમસીએફટી પાણી જ ડેમમાં પહોંચ્યું હતું. ત્યારે દર ઉનાળે વડિયા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાતી હોય, જેથી સૌની યોજનાની પાઈપલાઈન રામપુર તોરીથી સ્પેશ્યલ કેસમાં નવ કિલોમીટર લંબાવીને વડિયાના સુરવો ડેમ સુધી નાખવામાં આવે તો ડેમમાં પાણીનો સંગ્રહ કરીને લોકોને પૂરૂં પાડી શકાય.