સુરત મનપાની ચૂંટણીનું ઐતિહાસિક પરિણામ આવ્યું છે. ભાજપે ૩૦ વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે. વર્ષ ૧૯૯૫ માં પણ વિરોધ પક્ષ બની ન શકે તે પ્રકારનું પરિણામ લાવ્યા હતા. ૨૦૨૬માં પણ વિરોધ પક્ષ બની ન શકે તે પ્રકારનું પરિણામ મેળવ્યું હતું. વર્ષ ૧૯૯૫ માં ૯૯ બેઠક વખતે ૯૮ ઉપર જીત મેળવી હતી અને ૧ બેઠક આ પક્ષમાં ગઈ હતી. ફરી એક વખત ૩૦ વર્ષ બાદ ભાજપ ૧૨૦ માંથી ૧૧૫ બેઠક હાસલ કરી વિરોધ પક્ષને જાકારો આપ્યો છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ ગયા છે. સુરત મહાનગરપાલિકાની ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો પર કુલ સરેરાશ ૫૯.૨૧ ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે આજે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
સુરત મનપાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની બમ્પર જીત થઈ છે, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ૨૦૨૧ની ચૂંટણીમાં ૨૭ બેઠકો જીતનાર આમ આદમી પાર્ટી આ વખતે માત્ર ૪ બેઠકોમાં સમેટાઈ ગઈ છે, જ્યારે ૨૦૨૧માં શૂન્ય પર રહેલી કોંગ્રેસે આ વખતે માત્ર એક બેઠક જીતીને નામ માત્રની હાજરી નોંધાવી છે.









































