શહેર ભાજપ કાર્યાલયમાં કાર્યકર અને ખજાનચીની મારામારીનો વિવાદ હજી શાંત થયો નથી, ત્યાં હવે ભાજપના વધુ એક નેતાએ જાહેરમાં શક્તિ પ્રદર્શન કરીને વિવાદને હવા આપી છે. ભૂતકાળમાં માથાભારે તત્વો દ્વારા જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશનના નામે તમાશો કરી સીનસપાટા કરવાના અનેક બનાવો બન્યા છે અને પોલીસે આવા તત્વો સામે જાહેરનામા ભંગ અન્વયે પગલાં પણ ભર્યા છે. ત્યારે સુરતના ઉધના વોર્ડ નં. ૨૪ના પ્રમુખ પ્રકાશ ખૈરનારના વિવાદ બાદ હવે વોર્ડ નં.૨૬ (ગોડાદરા-ડીંડોલી)ના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે જાહેરમાં પોતાના બર્થ-ડે સેલિબેશનનો મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જાકે કોર્પોરેટરે વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર ઉજવણી પ્રાઈવેટ પાર્ટી પ્લોટમાં કરાઈ હોવાનું કહીને પોતાનો બચાવ કર્યો હતો.જાહેરમાં ઉજવણી, વીડિયો વાયરલઃ ગત ૩ ઓક્ટોબરના રોજ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતનો જન્મદિવસ હતો. આ ઉજવણી ધ ગ્રેટ મરાઠા ગૃપ (નિલગીરી) દ્વારા કરવામાં આવી હતી. બર્થ-ડેની ઉજવણી માટે જાહેર રોડ પર રોશની, ફટાકડા ફોડીને અમિતસિંહની એન્ટ્રી સાથે સ્ટેજ પર કેક કાપી ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ શરૂ થયો છે.કોર્પોરેટરનો લૂલો બચાવઃ જાહેરમાં બર્થ-ડે પાર્ટીના આયોજન પર વિવાદ થતાં કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે લૂલો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “મારા વિસ્તારના ધ ગ્રેટ મરાઠા ગ્રુપ તરફથી એક પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં આ બર્થ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. હું વિસ્તારનો કોર્પોરેટર હોવાના કારણે મને તમામ કાર્યક્રમમાં જવાનું હોય છે, એટલે હું કાર્યક્રમમાં ગયો હતો.” વધુમાં તેમણે દાવો કર્યો હતો કે, “ત્યાં વિતરણ કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમ ત્યાં પ્રાઇવેટ પાર્ટીપ્લોટ હતો. કોઈ જાહેરનામાનો ભંગ મારા હિસાબે થયો નથી. કોઈ જાહેર રસ્તો નહોતો.”આ પહેલાં સુરત ભાજપના ઉધના વોર્ડ નં.૨૪ના પ્રમુખ પ્રકાશ ખૈરનારે પણ ઉધનામાં આવેલી સાંઇબાબા સોસાયટીના ગેટ પર જાહેર માર્ગ પર બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું, જેમાં તેમના સમર્થકોએ રસ્તા પર જારદાર ફટાકડાઓ ફોડીને ઉજવણી કરતાં ટ્રાફિક અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી હોવાનું સામે આવ્યું હતું.









































