સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ રસ્તા પર ટાયર ફાટવાને કારણે એક આઈશર ટેમ્પો ઉભો હતો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કાર ધડાકાભેર તેમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો અને તેમાં સવાર ચારેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. સુરત ગ્રામ્યના ડ્ઢરૂજીઁ એચ.એલ. રાઠોડે પણ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ટાયર ફાટવાના કારણે ઉભેલા ટેમ્પા સાથે કાર અથડાતા આ દુર્ઘટના બની હતી.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર આણંદ જિલ્લાના ખંભાતના કાદરપુરા મહોલ્લામાં રહેતો દાઉદી વ્હોરા સમાજનો એક પરિવાર મુંબઈમાં સારવાર કરાવીને ઈકો કારમાં મોડી રાત્રે પોતાના વતન પરત ફરી રહ્યો હતો. પરંતુ દસ્તાન ગામ નજીક ભારતમાલા હાઈવે પર ઉભેલા ટેમ્પો પાછળ તેમની કાર જોરથી અથડાતા આ દુર્ઘટના બની. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચારેય સભ્યોના તાત્કાલિક મોત થયા અને આખો પરિવાર કાળનો કોળિયો બની ગયો. આ બનાવથી સમગ્ર ખંભાત વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
અકસ્માતની જાણ થતાં જ પલસાણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જેને નિયંત્રિત કરવા માટે પોલીસે પ્રયાસો કર્યા હતા. એક જ પરિવારના ચાર સભ્યોના અકાળે અવસાનથી સમગ્ર વિસ્તાર દુઃખમાં ગરકાવ થઈ ગયો છે અને લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.









































