રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે જાહેર કરાયેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી છે. સુરત રેન્જ આઈજી પ્રેમ વીર સિંહ અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એન.જી.પાંચાણીની ટીમે વોન્ટેડ આરોપીઓને દબોચી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ દિશામાં તપાસ શરૂ કરી હતી.
આ ઝુંબેશ દરમિયાન એલસીબી પીએસઆઈ એચ.સી.મસાણી અને તેમની ટીમને મળેલી ગુપ્ત માહિતીના આધારે ગત તા. ૨૬/૦૨/૨૦૨૬ના રોજ કોસંબા પોલીસ સ્ટેશન હદમાં આવેલા હથોડા ગામે પોલીસ પર હુમલો કરી ફરાર થયેલા ૮ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.
સુરત જિલ્લા એલસીબી પીઆઇ નરેશ પાંચાણીના જણાવ્યા મુજબ, ગૌવંશ કતલની માહિતીના આધારે કોસંબા પોલીસ હથોડા ગામે તપાસ માટે પહોંચી હતી. તે સમયે આરોપીઓએ પોલીસ સાથે ઘર્ષણ કરી જીવલેણ હુમલો કર્યો હતો. રાયોટિંગ અને હત્યાના પ્રયાસના આ ગંભીર ગુનામાં સંડોવાયેલા અને ત્યારથી ફરાર રહેલા આ આરોપીઓને એલસીબીની ટીમે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમામ આરોપીઓને વધુ તપાસ માટે કોસંબા પોલીસને સોંપવામાં આવ્યા છે.
ઝડપાયેલા આરોપીઓની વિગતઃ
૧. મુનીર ઉર્ફે મુન્નો મહેબુબ પઠાણ (ઉ.વ. ૨૪, રહે. હથોડા, માંડવી)
૨. મુસેફ ઉર્ફે હસન મહેબુબ પઠાણ (ઉ.વ. ૨૬, રહે. હથોડા, માંડવી)
૩. મોહમ્મદ શબ્બીર ઉર્ફે મોહમ્મદ નોબીતા મલેક (ઉ.વ. ૨૧, રહે. પાલોદ/હથોડા, માંડવી)
૪. ફૈઝલ ઉર્ફે દાબલો ફિરોઝ પઠાણ (ઉ.વ. ૨૪, રહે. હથોડા, માંડવી)
૫. રીયાઝ ઉર્ફે મીંઢો રસુલ મિર્ઝા (ઉ.વ. ૨૭, રહે. હથોડા, માંડવી)
૬. અતીક અસલમ માસ્ટર (ઉ.વ. ૨૩, રહે. હથોડા, માંડવી)
૭. યાહ્યા ઈરફાન ચક્કીવાલા (ઉ.વ. ૧૯, રહે. મોટી નરોલી, માંડવી)
૮. સુફીયાન રસુલ મિર્ઝા (ઉ.વ. ૨૨, રહે. હથોડા, માંડવી)
પોલીસની આ સફળ કામગીરીને પગલે ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.