સુરતના સંપદા ફેસ્ટિવિટી ખાતે સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા ૯ થી ૧૧ એપ્રિલ દરમિયાન આયોજિત ત્રિદિવસીય પમદ્‌ ભગવદ્‌ ગીતા કોર્સનું અત્યંત સફળતાપૂર્વક સમાપન થયું છે. મુખ્ય વક્તા પારસભાઈ પાંધીએ ગીતાના ગૂઢ જ્ઞાનને અત્યંત સરળ અને વ્યવહારિક શૈલીમાં રજૂ કરી યુવાવર્ગને નકારાત્મકતા ત્યાગી સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડી હતી. આ દિવ્ય મહોત્સવમાં ૪૦૦૦થી વધુ શ્રોતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ જીવનમાં નૈતિક મૂલ્યોના સિંચનનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમને ભક્તિમય બનાવવા માટે જાણીતા કલાકારો ઉર્વશીબેન રાદડિયા અને ઋષભ અગ્રાવતે કૃષ્ણ ભજનોની રમઝટ બોલાવી હતી, જ્યારે અમીબેન પટેલની ટીમ દ્વારા રજૂ થયેલી નૃત્યકૃતિએ સૌને ભાવવિભોર કર્યા હતા. આ આયોજનની વિશેષતા એ હતી કે સ્થળ પર ગૌશાળાનું નિર્માણ અને વેદઘોષ દ્વારા પવિત્ર વાતાવરણ ઊભું કરાયું હતું. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત, સાંઈરામ દવે અને ઈશ્વરભાઈ ધોળકિયા જેવા અનેક મહાનુભાવોએ હાજરી આપી આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું.