સુરત અને અંકલેશ્વર સ્થાયી થયેલ ધારી તાલુકાના ગોવિંદપુરના ગ્રામજનોનો ૮મો સ્નેહમિલન કાર્યક્રમ સુરતના પુણા વિસ્તારમાં આવેલ પટેલ સમાજના હોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગોવિંદપુર ગામના ૧પ૦૦ જેટલા લોકો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદપુર ગ્રામવાસી યુવક મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. હરખાણી, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના એમ.ડી., જે.બી. પટેલ, અશ્વિનભાઇ ઉમરેટીયા, મહેશભાઇ નાકરાણી, સંજયભાઇ સતાસીયા, અરવિંદભાઇ સતાસીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગોવિંદપુરના શિક્ષક રહી ચૂકેલા વલ્લભભાઇ રામાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રૂપેશભાઇ વલ્લભભાઇ રામાણીનું મિકેનીકલ એન્જિ.માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરવા બદલ યુવક મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ જ રીતે વિવેક રાજેશભાઇ સતાસીયા અને રજનીકાંત મોરડીયાને પણ સન્માનિત કરાયા હતા. બ્રહ્માકુમારી તૃપ્તીબેન દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. વલ્લભભાઇ રામાણીએ ગામના યુવાનોને વ્યસનથી દૂર રહેવા, સંતાનો પ્રત્યે કાળજી રાખવા તથા વતન પ્રત્યે અમીદૃષ્ટિ રાખવા સલાહ આપી હતી. જે.બી. પટેલે જણાવ્યું હતું કે, સંપત્તિ કરતા બાળકોમાં સંસ્કાર અને સદ્‌ભાવનાના વિચારોનું સિંચન કરવામાં આવે. ગામના તમામ પરિવારો આ રીતે સંપથી રહેતા શીખે.
આ તકે તમામ દાતાઓનું શિલ્ડ અને શાલથી આગેવાનોએ સન્માન કર્યું હતું. તેમ ગોવિંદપુર યુવક મંડળ વતી અશ્વિનભાઇ ઉમરેટીયાની યાદીમાં જણાવાયું છે.