સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોટી કાર્યવાહીમાં અધધ ૧.૪૨ કરોડની કિંમતનો ૪ કિલો જેટલો માદક પદાર્થ એટલે કે હાઇડ્રોપોનિક ગાંજા (હાઇબ્રિડ વીડ) જપ્ત કરાયો છે. આ માદક પદાર્થની હેરફેર કરવાના આરોપમાં બેંગકોકથી આવેલા એક મુસાફરની ધરપકડ પણ કરાઈ છે. નોંધનીય છે કે, આ કાર્યવાહી એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ,સીઆઇએસએફ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે બાતમીને આધારે હાથ ધરી હતી, જેમાં હાલ તમામને સફળતા મળી છે.મળતી માહિતી મુજબ, પકડાયેલા આરોપીની ઓળખ જાફર અકબર ખાન તરીકે થઈ છે, જે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આઇએકસ-૨૬૩માં સીટ નંબર ૨૭ઝ્ર પર બેસીને બેંગકોકથી સુરત આવ્યો હતો. જે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતાં જ પોલીસને પહેલાથી જ મળેલી બાતમીને આધારે સીઆઇએસએફ અને કસ્ટમ વિભાગની મદદથી તપાસ શરૂ કરી હતી. સઘન તપાસ દરમિયાન તેના લગેજમાંથી કુલ ૮ પેકેટમાં છુપાવેલો ઉચ્ચ ગુણવત્તાવાળો માદક પદાર્થ એટલે કે હાઇડ્રોપોનિક ગાંજા (હાઇબ્રિડ વીડ) મળી આવ્યો હતો. જેને પોલીસે હાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા આ માદક પદાર્થનું કુલ વજન ૪.૦૫૫ કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. ૧,૪૧,૯૨,૫૦૦ (એક કરોડ એકતાલીસ લાખ બાણું હજાર પાંચસો) આંકવામાં આવી છે.હાલ કસ્ટમ્સ અધિકારીઓએ સીઆઇએસએફ અને પોલીસની હાજરીમાં પંચનામું કરી આરોપી જાફર અકબર ખાનને એરપોર્ટ પરથી જ કસ્ટડીમાં લીધો છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસર તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી સુરત એરપોર્ટ દ્વારા થતી ડ્રગ્સની હેરાફેરી પર અંકુશ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપીની પૂછપરછમાંથી મોટું ડ્રગ્સ નેટવર્ક બહાર આવે તેવી શક્યતા છે.









































