ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતમાં વેપારીઓને ડરાવીને પડાવતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. સુરતના જાણીતા ગ્લોબલ માર્કેટમાં એક વેપારી પાસે ઇન્કમટેક્સ ઓફિસર તરીકેની ઓળખ આપી ૪ લાખ રૂપિયાની માંગણી કરનાર ભેજાબાજને વરાછા પોલીસે દબોચી લીધો છે.
સુરતના ગ્લોબલ માર્કેટમાં ‘આશાપુરા ફેશન’ નામે કાપડનો વેપાર કરતા રામસિંગ ચૌહાણ નામના વેપારીને વિજય સિંહ ચૌહાણ નામના શખ્સે ટાર્ગેટ કર્યા હતા. વિજય સિંહે વેપારીને વોટ્સએપ કોલ કરીને પોતાની ઓળખ ઇન્કમટેક્સ ઓફિસર તરીકે આપી હતી.
ભેજાબાજ વિજય સિંહે વેપારીને ડરાવતા કહ્યું કે, “તમારી ફાઇલ ઇન્કમટેક્સ ઓફિસમાં તપાસ માટે આવી છે. જો તમારે આ ફાઇલ ક્લોઝ (બંધ) કરાવી હોય તો ૪ લાખ રૂપિયા આપવા પડશે.” આટલું જ નહીં, તેણે વેપારીને ડરાવી-ધમકાવીને ફાઇલ ક્લોઝ કરવાની ચર્ચા કરવા માટે એક ખાનગી હોટલમાં પણ બોલાવ્યા હતા.
હોટલમાં મુલાકાત બાદ આરોપી વિજય સિંહ જ્યારે વેપારીની દુકાને પહોંચ્યો, ત્યારે વેપારી રામસિંગને શંકા ગઈ હતી. તેમણે અન્ય સાથી વેપારીઓ અને જાણકારો સાથે તપાસ કરતા જાણવા મળ્યું કે આ નામે કોઈ અધિકારી ઇન્કમટેક્સ વિભાગમાં છે જ નહીં.
જ્યારે નકલી ઓફિસર દુકાને આવ્યો ત્યારે વેપારીએ તેની પાસે ઓળખ કાર્ડ માંગ્યું હતું. આઈડી કાર્ડ માંગતા જ વિજય સિંહ ફફડી ગયો હતો અને તેનો ભાંડો ફૂટી ગયો હતો. વેપારીએ તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી નકલી ઇન્કમટેક્સ ઓફિસર વિજય સિંહ ચૌહાણને અટકાયતમાં લઈ લીધો છે. પોલીસને શંકા છે કે આ શખ્સે અગાઉ પણ અન્ય વેપારીઓને આ રીતે શિકાર બનાવ્યા હોઈ શકે છે. હાલ પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.







































