સુરત શહેરમાં માનવતા મરી પરવારી હોય તેવી વધુ એક શર્મજનક ઘટના સામે આવી છે. સારોલી વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની માત્ર ૩ વર્ષની માસૂમ બાળકીને પાડોશમાં જ રહેતા એક પરપ્રાંતીય હેવાને પોતાની હવસનો શિકાર બનાવી છે. બાળકી બાથરૂમ ગઈ હતી ત્યારે નરાધમે પાછળ જઈ અત્યાચાર ગુજાર્યો હતો. જાકે, માતા સમયસર પહોંચી જતાં નરાધમ પકડાઈ ગયો હતો.
ઘટનાની વિગત મુજબ, સારોલીની ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શ્રમિક પરિવાર રહે છે. ગત રોજ બપોરે માતા તેના પતિને બોલાવવા માટે નીચે ગઈ હતી. આ થોડી મિનિટોની એકલતાનો લાભ ઉઠાવી પાડોશમાં રહેતા બિહારના વતની મોજબ્બીર મોહમ્મદ હસામુદીન નામના યુવકે માસૂમ પર નજર બગાડી હતી.
માસૂમ બાળકી જ્યારે બાથરૂમમાં ગઈ, ત્યારે નરાધમ મોજબ્બીર અગાસી પરથી ચોરીછૂપીથી અંદર ઘૂસી ગયો હતો. હેવાને બાળકીના કપડાં કાઢી તેના ગુપ્ત ભાગે ગંભીર શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળકી કંઈ સમજે તે પહેલાં જ નરાધમે તેને પીંખી નાખી હતી.
સદનસીબે, બાળકીની માતા તુરંત ઉપર આવી પહોંચી હતી અને બાથરૂમમાં નરાધમની કરતૂત જાઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. માતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હવસખોરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ નરાધમને બરાબરનો મેથીપાક ચખાડી સારોલી પોલીસને હવાલે કર્યો હતો. સારોલી પોલીસે આરોપી મોજબ્બીર વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પરપ્રાંતીય કામદારો દ્વારા માસૂમ બાળકીઓને નિશાન બનાવવાની આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે.










































