સુરતમાં ૧૦૦ કરોડ રૂપિયાના નકલી બિલિંગમાં સંડોવાયેલ અને ૧૫ કરોડની આઇટીસી ખોટી રીતે મેળવનાર આરોપી યતીન દુધાતની ડીજીજીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, કોર્ટ કાર્યવાહી બાદ આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
ગત વર્ષે સુરતમાં ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૪નાં રોજ કુંજ ફેશન પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં શ્રીજી એક્સપોર્ટ, સેલ્ટન ઇમ્પેક્સ, ઇન્ફિનિટી ઇમ્પેક્સ, શ્રી કૃષ્ણા એન્ટરપ્રાઇઝ, ડેસ્ટિની ટ્રેડિંગ અને કુમાર એન્ટરપ્રાઇઝના નામ સામે આવ્યા હતા. તપાસમાં ચેતન નામના યુવકનું નામ ખુલ્યું હતું. યુવકની ધરપકડ બાદ સખ્ત પૂછપરછ કરાતા બોગસ બિલિંગ કૌભાંડ બહાર આવ્યું હતું. વધુ તપાસમાં વરાછાના યતીન વિનુ દુધાતનું નામ સામે આવતા ધરપકડ કરી હતી. આરોપીઓએ ૧૫.૧૯ કરોડની આઇટીસી (ઈનપુટ ટેક્સ ક્રેડિટ) ખોટી રીતે મેળવી હતી. પ્રાથમિક તપાસમાં આરોપ યતીને ૧૦૦ કરોડથી વધુનું બોગસ બિલિંગ કૌભાંડ કર્યુ હોવાનું ખુલતા ધપકડ બાદ તેને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
અગાઉ સુરતમાં ૨૦૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.સીજીએસટીની તપાસમાં બોગસ બિલિંગ કૌભાંડ ખુલ્યું હતું. બોગસ બિલિંગ કૌભાંડમાં ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) લેનાર ૩૪ પેઢીના આઠ સંચાલકો સામે ગુનો નોંધાયો હતો. તેઓએ ૨૨ કરોડની આઇટીસી ખોટી રીતે મેળવી હતી.
તેઓએ આ પ્રકારે ખોટી રીતે અપનાવેલી મોડસ ઓપરેન્ડીમાં કેમિકલ, ભંગાર અને લાકડાના ખોટા બિલો બનાવ્યા હતા. તેમણે કારોબાર ભંગારનો બતાવ્યો હતો. ફ્રોડ કરનારાઓની ટોળીએ રીતસરની બનાવટી પેઢી જ બનાવી દીધી હતી. આ ઉપરાંત ફ્રોડની ટોળીએ જે બિલો બનાવ્યા તેમા કેમિકલના બિલો હતા. નવસારીના વેપારીઓએ લાકડાના બિલો મંગાવીને બોગસ બિલિંગ કર્યુ હતું.
આ તોડબાજાની ટોળીએ આ માટે કોના-કોના આધારકાર્ડ અને બીજા દસ્તાવેજાનો ઉપયોગ કર્યો તેના અંગે ઇકોસેલ તપાસ કરી રહ્યું છે. તેમા એક વધુ આરોપીની અટકાયત કરવામાં આવી છે. જીએસટીએ ઠેર-ઠેર દરોડાની કાર્યવાહી શરૂ કર્યા પછી આ કૌભાંડનો પર્દાફાશ થયો છે.