સુરતના નાના-મોટા પ્રત્યેક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ પેની નજર રાખીને ઊભી રહેતા હેલ્મેટને લઈ સુરતીઓમાં ફફડાટ પેંસી ગયો છે. અમલવારીના પ્રથમ દિવસે જ નિયમની ઐસીતૈસી કરનારા સંખ્યાબંધ વાહનચાલકો સામે કાર્યવાહી થઈ હતી. એક તરફ હેલ્મેટના નિયમને આવકાર મળી રહ્યો છે. બીજી તરફ અનેક લોકો આ કાયદાનો તેમના ગ્રુપ કે સર્કલમાં આંતરિક વિરોધ કરી રહ્યાં છે. આ વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે રવિવારે શહેરના લાલદરવાજા વિસ્તારમાં અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું.
મોસાળું લઈને જઈ રહેલા વાઘેલા પરિવારે હેલ્મેટ પહેરી જાહેરમાં ડાન્સ કર્યો હતો. રામપુરા પટેલ વાડી સુધી તેઓ હેલ્મેટ પહેરી નાચતા-નાચતા વાડીએ પહોંચ્યા હતા. આ અંગે કિરીટ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘શહેરમાં દર ૨૦૦ મીટરે ટ્રાફિક સિગ્નલ, બમ્પ અને ખાડાઓ જાવા મળી રહ્યાં છે. યોગ્ય ગુણવત્તા ધરાવતી હેલ્મેટ નહીં મળતા લોકો સાવ હલકી કક્ષાની હેલ્મેટ ખરીદી રહ્યાં છે. લોકો ભયભીત થયા છે. લોકોમાં ગુસ્સો છવાયો હોય રવિવારે મોસાળામાં હેલ્મેટ પહેરી ડાન્સ કરવાનું પરિવારે નક્કી કર્યું હતું.’