સુરતના અમરોલી-કોસાડ આવાસમાં રહેતા સની અતુલ સોલંકી ગત ૬ મેના રોજ રાબેતા મુજબ સવારે ૬ વાગ્યે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરાછાના રામચોક ખાતે ગયાં હતાં. ત્યારે રહેણાંક આવાસની બાજુમાં અલ્પેશ ભૂપત ઓગણીયા અને તેના પિતા ભૂપત ગગજી ઓગણીયા પણ શાકભાજીનો ધંધો કરતા હોય આ પિતા પુત્રએ સની અને તેની પત્ની સુમનને મોટા વરાછાના રામચોક ખાતે ધંધો કરવા આવવાની ના પાડવાની સાથે જો અહીં ધંધો કરવા આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘરે પહોચ્યા બાદ સનીની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી. આ દરમિયાન અલ્પેશ તેના પિતા ભૂપત અને નાનાભાઈ અનિલ તથા દડુ તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈ ચોંકી ગઈ હતી અને તુરંત ઘરના સભ્યોને જાણ કરી હતી. જેથી તમામે ઘરની અંદર જ આવી જઈને હુમલો કર્યો હતો. પિતાને પેટના ભાગે તિક્ષ્ણ હથિયાર વાગતાં આંતરડું બહાર આવી ગયું હતું, જેથી તેનું મોત નિપજ્યું હતું. જ્યારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા અમરોલી પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે અમરોલી પોલીસે સાવરકુંડલાના હાથસણી રોડ પરથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક બાળ કિશોર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.