રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી રૂ.૧૧.૬૦ લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો. આ શંકાસ્પદ જથ્થાના આશરે ૧પ જેટલા નમૂના લઈ પૃથક્કરણ માટે સરકારી પ્રયોગશાળા-વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે,સુરત ખાતે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી ખાતે ડ્રગ ઓફિસરોની ટીમ દ્વારા દરોડો પાડતા સ્થળ ક્વાથ, ચૂર્ણ તથા જાઈન્ટ રીલિફ ઓઈલ નામની અલગ-અલગ પ્રકારની આયુર્વેદિક દવાનું ઉત્પાદન થતું જાવા મળ્યું હતું. પૂછપરછ કરતા જાગી હર્બાસ્યૂટીકલ પ્રા.લી. દ્વારા પરવાના કે લાયસન્સ મેળવ્યા વગર આ દવાઓનું ઉત્પાદન કરતા હોવાનું જણાઈ આવતા, તાત્કાલિક ઉત્પાદન બંધ કરાવીને ફેક્ટરી સીલ કરવામાં આવી હતી.
આ પેઢીના ડિરેક્ટર નિલેશભાઈ જાગલ તેમજ ડો.દેવાંગી જાગલ સામે કાયદેસરની કાર્યવાહીને ધ્યાને રાખી ફેક્ટરી ખાતેથી આશરે રૂ.ર લાખની કિંમતનું રો-મટિરીયલ, રૂ.૭૦ હજારની કિંમતનું પેકિંગ મટિરીયલ, રૂ.ર.૯૦ લાખની કિંમતની ફિનીશ્ડ પ્રોડક્ટ તેમજ રૂ.૬ લાખની કિંમતની કવાથ, ચૂર્ણ તથા ઓઈલ બનાવવાની મશીનરી મળીને આશરે રૂ.૧૧.૬૦ લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ફેક્ટરી ખાતે ઉત્પાદિત શંકાસ્પદ આયુર્વેદિક દવાના પાંચ નમૂના તથા રો-મટિરીયલના દસ નમૂનાઓ મળી કુલ ૧પ નમૂનાઓ લઈ, પૃથક્કરણ માટે સરકારી પ્રયોગશાળા-વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.