સુરતમાં રોગચાળો વકર્યો છે જેના કારણે લોકો હેરાન થયા છે. પ્રદૂષિત પાણીથી થતા રોગમાં વધારો થયો છે. ઝાડા, ઉલટીના પગલે ૬ મહિનાના બાળક સહિત ત્રણના મોત થયા છે.
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. ઠેર ઠેર ગંદા પાણી અને કાદવની સ્થિતિના કારણે રોગચાળાએ માથુ ઉચક્યું છે, પાણીમાં મચ્છર થવાના કારણે રોગચાળો વધ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, વરસાદી પાણી ઓસરી ગયા છે તેમ છતાં રસ્તાઓની સાફસફાઈ કરવામાં આવતી નથી, પાણીનો નિકાલ કરાતો નથી. હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં રોજની ૧૫૦થી વધારે કેસો નોંધાઈ રહ્યાં છે. પાંડેસરામાં રહેતા બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. હજીરામાં ૨૬ વર્ષય યુવકનું તાવ આવ્યા બાદ મોત થયું છે, ભેસ્તાનમાં ૪૦ વર્ષીય પુરુષનું ઝાડા ઉલટી બાદ મોત થતા તંત્ર દોડતું થયું છે.
સામાન્ય રીતે વરસાદ બાદ ૧૪થી ૨૦ દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ જાગૃત રહી ધરની સાફસફાઈ કરવી જરૂરી છે. મનપા તંત્ર દ્વારા જૂન માસથી રહેણાંક-કોમર્શિયલ મિલકતોમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે.