ભારે વરસાદના કારણે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા હતા. તેમણે અલથાણ Âસ્થત આઇસીસીસી- ઈન્ટગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં પદાધિકારી-અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજીને ભારે વરસાદથી પૂરની સ્થિતિ, પાણી ઓસર્યા બાદ સાફસફાઈ, રોગ નિયંત્રણ પગલા તેમજ નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં આર્થિક સહાય ચૂકવવાની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ, નાણા અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સુરત શહેર અને જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, બચાવ કામગીરીની પ્રગતિ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતવાર જાણકારી મેળવી હતી અને જનજીવનની સ્થિતિ પૂર્વવત કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ વરસાદી અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી કરવાના દિશાનિર્દેશો પણ તંત્રવાહકોને આપ્યા હતા.
તેમણે સુરતમાં ખાડીપૂરની સ્થિતિ વારંવાર ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણલક્ષી આયોજનની આવશ્યકતા હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. એટલું જ નહિં, ભારે વરસાદની વિકટ સ્થિતિ અને પૂર દરમિયાન સામે આવેલી વહીવટી ક્ષતિઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક એક્શન પ્લાન બનાવીને અમલમાં મૂકવા તાકીદ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સુરતમાં ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડની ફાળવણી રાજ્ય સરકાર કરશે.
ભારે વરસાદ, પૂર કે અન્ય કુદરતી આપત્તિની પસ્થિતિઓમાં જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ કુદરતી આફતોનો સામનો કરવામાં સેતુરૂપ બને તે જરૂરી છે એમ જણાવીને મુખ્યમંત્રીએ તમામ વિભાગો પરસ્પર સંકલન સાધીને પોતાની કામગીરી સુનિશ્ચિત કરે અને ભવિષ્યના આયોજન માટે ખાડી પૂર અટકાવવાનું નક્કર આયોજન કરે તેવી કડક સૂચના આપી હતી. રાજ્ય સરકાર સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદ બાદની પરિસ્થિતિ સંદર્ભે સ્થાનિક તંત્ર સાથે સતત સંકલન અને સંપર્કમાં છે અને ચોમાસા દરમિયાન કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્રની સાથે છે તેમજ નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે એમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. સુરતમાં ખાડી પૂરના કારણે સર્જાતી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૫૦૦ કરોડની માતબર રકમ ખાડી ડેવલપમેન્ટ અને સુધારણા કાર્યો માટે મંજૂર કરવામાં આવી છે. જેથી ભવિષ્યમાં ખાડીપૂરની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન કે અન્ય સરકારી વિભાગો દ્વારા કરવામાં આવતી રોડ રસ્તા કે અન્ય કોઈ પણ નવી કામગીરી તેમજ પૂરની સ્થિતિ સર્જાવા સંદર્ભે કામોમાં જા કોઈ નબળી ગુણવત્તા કે છૂપી ક્ષતિઓ બહાર આવશે, તો તેની સંપૂર્ણ તપાસ કરાશે. આ પ્રકારની બેદરકારી આચરનારા કે તેમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાનૂની રાહે પગલાં ભરવાની સૂચના તમામ ઉચ્ચ અધિકારીઓને આપી દેવામાં આવી છે.પૂરની આપત્તિનો સામનો કરવા માટે સુરત મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, જિલ્લા પ્રશાસન,એનડીઆરએફ,એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમોએ ખભેખભા મિલાવીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ સરકારી તંત્રોની સાથે સુરત શહેરના અંદાજે ૫,૦૦૦ થી વધુ સેવાભાવી નાગરિકો અને સ્વયંસેવકોએ પણ ઉત્સાહભેર સહયોગ આપ્યો છે. સુરતના નાગરિકોએ મુશ્કેલીના સમયે અદ્દભૂત સંયમ અને સમૂહ શકિતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. મ્યુ.કમિશનર એમ.નાગરાજને જણાવ્યું હતું કે, આ સપ્તાહમાં જ સિઝનનો ૩૦ ટકા વરસાદ શહેરમાં નોંધાયો છે. ૩૬૦૦ લોકોનું રેસ્ક્યુ, ૪૧૦૦ અસરગ્રસ્ત લોકોને રિલીફ સેન્ટરમાં ખસેડ્યા છે. મુખ્યમંત્રી ત્યારબાદ નવસારી પહોચ્યા હતા અને નવસારી શહેર – જિલ્લામાં તાજેતરના ભારે વરસાદને કારણે જે સ્થિતિ ઉભી થઈ છે તેમાં વહીવટી તંત્રની બચાવ-રાહત-સહાય કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે નવસારી-વલસાડના જિલ્લા કલેક્ટરો, પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ અને ધારાસભ્યો પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા.






































