શહેરના પલસાણામાં આવેલ જાળવા ગામે ટેક્સટાઈલ મિલમાં ડ્રમ ફાટવાની ભયંકર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૨ કામદારોના મોત થયા છે જ્યારે ૧૭ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ તેમણે હાથ ધર્યા છે. સાથે જ અંદર ફસાયેલા લોકોને પણ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે મિલમાં કામ ચાલુ હતું અને અચાનકથી ડ્રમ ફાટતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કામદારો ફસાયા છે કે નહીં તે ચેક કરવા પતરાં તોડતાં ફાટેલા ડ્રમમાંથી વધારે આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે ફાયર વિભાગે ફરી પાણીનો મારો શરૂ કર્યો હતો. આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરતાં જ આગે વધુ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.
આગ કયા કારણોસર લાગી છે તે હજુ સામે નથી આવી શક્યું. જોકે જ્યારે ડ્રમ ફાટ્યું હતું ત્યારે અવાજ એટલો પ્રચંડ હતો કે દીવાલો ધ્રુજી ગઈ હતી સાથે જ મિલમાં કામ કરતા કામદારો પણ પોતાનો જીવ બચાવવા માટે દોડ્યા હતા. જેના કારણે અંદર મિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ૨ કામદારોના મોત થયા છે જ્યારે ૧૭ જેટલા કામદારો ઈજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ની ટીમ અને ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.








































