સચિન વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના બનતા ટળી હતી. વૃદ્ધ દંપતીની હિંમત અને આસપાસના લોકોની સતર્કતાના કારણે લૂંટ કરવા આવેલ શખ્સને ઝડપી પડાયો હતો. જે આરોપીની સચિન પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

સચિન પોલીસના જણાવ્યાનુસાર, સચિન ગામમાં અરુણ વાંસિયા અને તેમના પત્ની નીરુમતી વાંસિયા સહપરિવાર જોડે રહે છે. શુક્રવારના રોજ બપોરના દોઢ વાગ્યાના સમયે બંને પતિ-પત્ની ઘરમાં હાજર હતા, તે વેળાએ અજાણ્યો એક શખ્સ ઘરમાં આવી ચઢ્યો હતો. પોતે કુરિયર કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી વૃદ્ધ દંપતીના નામે કુરિયર હોવાનું જણાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ એકાએક પોતાની પાસે રહેલ બંદૂક જેવા હથિયારની નોક પર વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘરમાં વૃદ્ધ દંપતી સહિત અન્ય એક યુવતી હાજર હતી. જે શખ્સ પાસે રહેલ બંદૂક જેવા હથિયારને જોઈ વૃદ્ધ દંપતી સહિત યુવતી ગભરાઈ હતી.

દરમ્યાન વૃદ્ધે આરોપીનો પ્રતિકાર કર્યો હતો. જે સમયે આરોપી દ્વારા વૃદ્ધને સોફા પર ધક્કો મારી બેસાડી દેવામાં આવ્યો હતો. વૃદ્ધા દ્વારા બુમાબુમ કરતા ભારે હોબાળો મચી ગયો હતો. જ્યાં ગભરાય ગયેલ શખ્સ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કરતા આસપાસથી દોડી આવેલા લોકોએ શખ્સને ઝડપી પાડ્યો હતો. જે ઘટનાની જાણ સચિન પોલીસને કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી વિશાંત ત્રિવેદી માનસિક રીતે અસ્વસ્થ છે. જે આરોપી દ્વારા ટ્ઠદ્બટ્ઠર્ડહ પરથી બંદૂક જેવી આકારનું એક લાઈટર ગન મંગાવ્યું હતું. જે બાદ તેણે લૂંટનો પ્લાન ઘડી નાખ્યો હતો. લૂંટ કરવા માટે તેણે ભાડેથી ઓટો રીક્ષા કરાવી હતી. જે ભાડેની ઓટોરિક્ષા માટે સચિન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ સચિન ગામમાં આવ્યો હતો. અહીં રહેતા અરુણ વાંસિયાના ત્યાં પોતે કુરિયર કંપનીનો કર્મચારી બની ગયો હતો. જ્યાં કુરિયર કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ બંદૂક આકારના દેખાતા લાઈટર ગન વડે વૃદ્ધ દંપતીને ડરાવી ધમકાવી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.

આરોપી પોતે માનસિક રીતે અસ્વસ્થ છે તેમ પોલીસને જણાવ્યું છે. જે વાત પોલીસના ગળે ઉતરે તેમ નથી. જેથી સચિન પોલીસ દ્વારા આ મામલે આરોપીની ધરપકડ કરી મેડિકલ તપાસ કરાવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. ખરેખર આરોપી માનસિક રીતે અસ્વસ્થ છે કે કેમ કે પછી પોતે કરેલા ગુનાથી બચવા પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે તે પોલીસની ઉંડાણપૂર્વકની તપાસ બાદ બહાર આવી શકે તેમ છે.