નૂપુર શર્મા વિવાદ મામલે સુરતમાં કોમી તોફાન કરાવવાની પેરવી કરતા નાનપુરાના ૫ ઈસમો ઝડપાયા છે.”યુપી ઓર ઝારખંડ જેસા કરના હે” ના લખાણ વાળા પોસ્ટર રોડ પર ચોંટાડતા હતા. આરોપીઓ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદીત નિવેદન બાદ તેના ફોટા પર બુટની છાપવાળા પોસ્ટર છપાવડાવી તેને રોડ પર ચોંટાડતા હતા. અને આરોપીએ પોસ્ટરનો વિડીયો પણ વાયરલ કર્યો હતો. અઠવા પોલીસે આ અંગે ગુનો નોંધી અને ૫ ઇસમોની ધરપકડ કરી છે.
અઠવાલાઈન્સ પોલીસ મથકના સર્વેલન્સ પીએસઆઈ એમ.આઈ.વસાવાને બાતમીદારે જણાવ્યું હતું કે એક વિડીયો મુસ્લીમ સમાજને ઉશ્કેરવા વ્હોટ્‌સએપ વાયરલ થયો છે,
તાત્કાલીક વિડીયો ક્લીપ જોઇ લેશો. તેથી પીએસઆઇ વિડીયો કલીપ જોતા તેમાં બે વ્યકિત અને તેમની સાથે અજોણ્યાઓ નુપુર શર્માના વિવાદીત નિવેદનને પગલે તેના ફોટા ઉપર બુટ પ્રિન્ટની છાપવાળા પોસ્ટર રોડ ઉપર ચોંટાડતા હતા.મુસ્લીમ સમાજને ઉશ્કેરવા જુદાજુદા વ્હોટ્‌સએપ ગ્રુપમાં વાયરલ કરેલો વિડીયો નાનપુરા કાદરશાની નાળનો હોવાનું જોણવા મળતા અઠવાલાઈન્સ પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસે વિડીયો કલીપમાં નજરે ચઢતા બે વ્યક્તિ મોહમંદ તૌફીક મોહમંદ રફીક અને સદ્દામ રઉફ સૈયદની અટકાયત કરી પુછપરછ કરતા બંનેએ પોતે વિડીયો કલીપમાં હોવાની કબૂલાત કરી હતી. બંનેએ નુપુર શર્માના પોસ્ટર કૈલાશનગર શંખેશ્વર કોમ્પલેક્ષની સામે પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતા ઈમરાનખાન હબીબખાન પઠાણ પાસે છપાવ્યાની કબૂલાત કરતા પોલીસે ઈમરાનખાનની પણ અટકાયત કરી હતી. પોલીસે ત્રણેયના મોબાઈલ ફોનમાં વ્હોટ્‌સએપ ચેક કરતા તેમાં નૂપુર શર્માને લગતા ફોટા અને વિડીયો કલીપો મળી હતી.
પોલીસ દ્વારા આ ત્રણ ઉપરાંત અન્ય બે ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી છે. તૌફીકે ઈમરાનને ગુરુવારે બપોરે ૩.૧૮ કલાકે વ્હોટ્‌સએપ મેસેજ કર્યો હતો કે ભાઈ ૪૦-૫૦ પોસ્ટર જો છાપે ઉસે કામ નહીં હુઆ, અબ જ્યાદા છપાને પડેંગે.યુપી ઓર ઝારખંડ જેસા કરના હે. આ આરોપીઓએ હિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવાની કૌશીશ કરી હતી. તેથી અઠવાલાઈન્સ પોલીસ મથકના પીએસઆઈ વસાવાએ જોતે ફરિયાદી બની ઉશ્કેરણી જનક વિડીયો રેકોર્ડીંગ કરી વિડીયો રેકોર્ડીંગ અન્ય વ્હોટસએપ ગૃપમાં મોકલનાર સહિત કુલ ૫ ઇસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.