ચોમાસાની શરૂઆતમાં જ પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. સુરતમાં ઝાડા ઉલટીના કારણે બે બાળકો સહિત ત્રણ લોકોના મોતની ઘટના સામે આવ્યા બાદ સુરત મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળાનો ભય લોકોમાં છે. તેવામાં સુરતના કેટલાક વિસ્તારોમાં ગંદા પાણીના કારણે ઝાડા-ઉલટીના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ઝાડા ઉલટીના કારણે બે બાળકો સહિત કુલ ત્રણ લોકોના મોતની ઘટના પણ સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને ઝાડા ઉલટીના કેસોને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા વિવિધ વિસ્તારમાં લોકોના ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. ઝાડા ઉલટીના કેસો બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે લોકોને સારવારની જરૂરિયાત જણાય તેમને સ્થળ પર જ પ્રાયોરિટીના ધોરણે સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જે જગ્યા પર લોકો દ્વારા ગંદા પાણીની ફરિયાદ કરવામાં આવે તે જગ્યા પરથી પાણીના સેમ્પલ લઈને તેને ટેÂસ્ટંગ માટે લેબોરેટરીમાં પણ મોકલવામાં આવી રહ્યા છે.
ઝાડા ઉલટીના કેસની વાત કરવામાં આવે તો ગત વર્ષે જુલાઈ મહિનામાં ઝાડા ઉલટીના ૧૬૧ કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ૧૦૬ કેસ અત્યાર સુધીમાં સામે આવ્યા છે. આ ઉપરાંત મેલેરિયાના ૧૯ અને ડેન્ગ્યુના ૫ કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર, હાલ ઝાડા ઉલટીના સૌથી વધારે કેસ લિંબાયત અને ઉધના વિસ્તારમાંથી આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ટીમોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ૬ મોબાઈલ જેટલી મેડિકલ ટીમો હતી તેને વધારી ૧૦ કરી દેવામાં આવી છે. અગાઉ ૨૪ અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી હવે ૪૪ જેટલા અધિકારીઓ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં જઈને લોકોના આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી રહી છે.