સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ તરફથી સઘન પેટ્રોલિંગ સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં લૂટારું પોલીસથી એક કદમ આગળ ચાલતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં બે લોકોએ બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ કર્યો છે. આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. જોકે, આ કેસમાં દુકાન માલિકે સમયસૂચકતા વાપરીને લૂંટારું સાથે ઝપાઝપી કરતા બંને ભાગ્યા હતા. ઘટનાની જોણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
સુરતમાં છેલ્લા લાંબા સમયથી ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. બીજી તરફ સુરત પોલીસ પોતાની છાપ સુધારવા અને ગુનાખોરીને ડામવા માટે સઘન પેટ્રોલિંગ કરી રહી છે. ચેકિંગની સાથે સાથે પોલીસ વાહન ચેકિંગ પણ કરી રહી છે. જોકે, પોલીસની સક્રિયતા વચ્ચે આરોપીઓ વધારે હોંશિયાર હોય તેવા બનાવો બની રહ્યા છે.
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં દર બીજો દિવસે પોલીસ તરપથી કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આ બધાની વચ્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ચોરીના પ્રયાસનો બનાવ બન્યો છે. મળતી માહિતી પ્રમાણે એક જ્વેલર્સ માલિક દુકાનમાં બેઠા હતા તે વખતે માસ્ક પહેરી ૨ શખ્સો દુકાનમાં ધસી આવ્યા હતા.
દુકાનમાં ધૂસતાની સાથે જ બંને શખ્સોએ વેપારીના લમણે રિવોલ્વર મૂકીને “તુમ્હારે પાસે જો કુછ હૈ, વો યે થેલે મે ભર દો” એમ કહ્યું હતું. આ રીતે બંને શખ્સોએ ધમકાવી દાગીનાની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, માલિકે ઝપાઝપી કરતા બંને લૂંટારુંએ ખાલી હાથે ભાગવાનો વારો આવ્યો હતો. બંને ભાગી રહ્યા હતા તે દરમિયાન લૂંટારૂના હાથમાંથી હથિયાર પડી ગયું હતું. આ ઘટનાને
લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. ઘટનાની જોણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લૂંટારૂને શોધવા માટે રોડ પર નાકાબંધી કરી હતી. પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે બંને લૂંટારૂંને શોધવા ચક્રો ગતિમાન કર્યો છે. સીસીટીવી ફૂટેજમાં લૂંટારું બાઇક પર આવ્યા હોવાનું લાગી રહ્યું છે.