અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસ સાથે સંકળાયેલા અને લાઈઝનિંગનું કામ કરતા એક જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહની જન્મદિવસની પાર્ટીમાં પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કે.એસ. અવતરણ હોટલમાં આ દારૂ પાર્ટી ચાલુ હતી, જેમાં મોટા-મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સહિત અનેક લોકો સામેલ હતા. મળતી માહિતી મુજબ, ઉદ્યોગપતિ સમીર શાહની બર્થ-ડે પાર્ટીની આડમાં આ દારૂની પાર્ટી યોજાઈ હતી. પોલીસને બાતમી મળતા અલથાણ પોલીસે હોટલ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે દારૂ પીધેલી હાલતમાં તેમજ દારૂની બોટલો સાથે અનેક લોકોને ઝડપી પાડ્યા હતા.મળેલી જાણકારી મુજબ પોલીસ સાથે સંકળાયેલા અને લાઈઝનિંગનું કામ કરતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં દારૂ પીરસાતો હતો અને ત્યારે જ પોલીસે દરોડો પાડ્યો હતો.સુરતના અલથાણ ખાતે આવેલ કે.એસ. અવતરણ હોટલમાં દારૂની મહેફિલ ચાલુ હતી ત્યારે જ પોલીસ ત્રાટકતા લોકોના હોશકોશ ઊડી ગયા હતા. આ પાર્ટીમાં મોટા બિઝનેસમેનો અને બિઝનેસ સાથે સંકળાયેલા ઘણા નામાંકિત લોકો હાજર હોવાથી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.જ્યારે પોલીસે દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા ત્યારે સમીર શાહના પુત્રએ પોલીસ સાથે મગજમારી કરી હતી અને ઝપાઝપી પણ કરી હોવાનું બહાર આવ્યું છે. સરકારી કામકાજમાં રુકાવટ કરનારા સમીર શાહના પુત્રને પોલીસે તે સમયે અટકાયતમાં લીધો હતો પણ ત્યાર બાદ તેને છોડી દેવાયો હતો. જા કે કયા કારણોસર તેને છોડી દેવામાં આવ્યો તે હજુ સુધી સામે આવ્યું નથી.પોલીસે દારૂ ભરેલી બલેનો કાર અને હોટલના ડીવીઆર જપ્ત કર્યા હતા. આ દારૂ પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને કયા મોટા માથા પકડાયા છે તેની માહિતી થોડા સમયમાં બહાર આવશે. ડીસીપી નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે બલેનો કારમાં દારૂ પડેલો છે તેવી બાતમી મળતા પોલીસ પહોંચી હતી અને પોલીસે બલેનોમાંથી ૧૩૫૦ની બિયરની ૯ બોટલ મળીને ૩ લાખ ઉપરાંતનો દારૂ પકડ્યો છે. વીડિયો સામે આવ્યા કે સમીર શાહની બર્થ-ડે હતી અને તેમના પુત્ર જનમે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. અહીં દારૂ પાર્ટી ચાલતી હતી તે ખબર નથી. વ્રજ શાહ સામે કાર્યવાહી કરાઈ રહી છે.અલથાણ પોલીસે આ દારૂ પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઉદ્યોગપતિ સહિત પાર્ટીમાં હાજર તમામ લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સાથે સંકળાયેલા વ્યક્તિની પાર્ટીમાં જ દારૂ ઝડપાતા આ સમગ્ર પ્રકરણ સુરત શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. અલથાણ પોલીસ હાલમાં આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને કયા મોટા માથાઓ આ પાર્ટીમાં સામેલ હતા તેની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.