સુરતમાં જમીન સોદાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મોટો મામલો સામે આવ્યો છે. ઇકોસેલ પોલીસે આશરે રૂ.૪.૮૧ કરોડના કૌભાંડનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી રવિ કોલડિયા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાએ શહેરના રિયલ એસ્ટેટ અને બેંકિંગ વર્તુળોમાં ચકચાર મચાવી દીધી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વિવિધ બેંકોમાં બોગસ ખાતાં ખોલીને છેતરપિંડીથી મેળવાયેલા નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ખાસ કરીને યશ બેંક અને આઇડીબીઆઇ બેંકમાં નકલી દસ્તાવેજાના આધારે ખાતાં ખોલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો કે આરોપીઓએ નકલી ઓળખપત્રો અને મોબાઈલ સિમકાર્ડ મેળવવા માટે કેટલાક ખાનગી કંપનીના કર્મચારીઓ તેમજ બેંક સ્ટાફની મદદ લીધી હતી. પ્રાથમિક માહિતી મુજબ, મોબાઈલ સિમકાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની શંકા છે.
ઇકોસેલ પોલીસ હાલમાં આ સમગ્ર કૌભાંડમાં બેંક અધિકારીઓ અથવા અન્ય કોઈ આંતરિક વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેની પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કૌભાંડને ખૂબ જ આયોજનબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો.
તપાસ એજન્સીઓ હવે નાણાંના ટ્રાન્ઝેક્શન, બેંક ખાતાં, દસ્તાવેજા અને મોબાઈલ કનેક્શનની વિગતવાર તપાસ કરી રહી છે. કૌભાંડમાં વધુ લોકોના નામ બહાર આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.પોલીસે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને દસ્તાવેજામાં ચેડાં સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.








































