સુરતના સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ સ્થિતિ વણસી છે. સમગ્ર મુદ્દે પોલીસ આખી રાત એક્શનમાં રહી અને પોલીસે કોમ્બિગ પણ હાથ ધર્યું હતુ અને ઘરે ઘરે જઈ તપાસ કરી અને તાળા તોડી કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લીધા હતા. આ ઘટનમાં અત્યાર સુધીમાં ૨૭ જેટલાં અસામાજિક તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે હવે ચોંકાવનારી બાબત સામે આવી છે.પથ્થરમારાની ઘટના બાદ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે ત્યારે ખુલાસો થયો કે આ ષડયંત્ર છે જેનો ઉદ્દેશ શાંતિ ભંગ કરવાનો હતો. પણ સૌથી ચોંકાવનારી બાબત આ ઘટનામાં એ સામે આવી છે કે પથ્થરમારો કરનારા ૧૨થી ૧૩ વર્ષની ઉંમરના વિધર્મી સગીર બાળકો હતા.
આ સમગ્ર ઘટના મામલે હવે સામે આવ્યું છે ૬ મુસ્લીમ બાળકોએ પથ્થરો ફેંક્યા હતા. તમામ બાળકોની ઉંમર ૧૨થી ૧૩ વર્ષની છે. બાળકો રીક્ષામાં બેસીને આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ બાળકો સૈયદપુરા વિસ્તારના ન હતા પણ એકથી દોઢ કિલોમીટર દૂરથી તેઓ રિક્ષામાં બેસીને આવ્યા હતા. હવે સવાલ એ છે કે, આ બાળકોને ઉશ્કેરી કોણ રહ્યું છે? અહીં બાળકોનો સહારો લઈ કોઈએ ષડ્યંત્ર રચ્યું છે. તે તમામ બાળકો કોઈના દ્વારા ઉશ્કેરાઈને આ પથ્થરમારાને અંજામ આપ્યો હોવાનું જણાય રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.