સુરત શહેરમાં કાળઝાળ ગરમીમાં આગના બનાવો યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે નાના વરાછામાં આજે શનિવારે સવારે ઈલેક્ટ્રીક ટુ વ્હીલના શો રૃમમાં તથા પુણા પાટીયા ખાતે કાપડના ગોડાઉનમાં અને બટરમાં એમ્બ્રોઈડરીના ખાતામાં આગ ભડકી ઉઠતા ભાગદોડ અને અફડાતફડી મચી જવા પામી હતીફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ નાના વરાછામાં ઢાળ પાસે રાજારામ સોસાયટી પાસે ભવ્ય ઓર્ટો એન્ડ પાર્ટસ શો રૃમમાં આજે શનિવારે સવારે ઈલેક્ટ્રીક શોર્ટ સકટ થતા આગ ફાટી નીકળી હતી.
જેના લીધે ત્યાં વધુ પ્રમાણમાં ધુમાડાના નીકળતા ત્યાં નાસભાગ થઈ જવા પામી હતી. કોલ મળતા ૪ ફાયર સ્ટેશની ૮ ગાડી સાથે ફાયર કાફલો ઘટના સ્થળે ધસી જઈને પાણીનો છંટકાવ શરૃ કરતા દોઢ કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આગને લીધે ઇલેકટ્રીક ટુ વ્હલ ૩૦, સર્વિસમાં આવેલી ટી વ્હલ ૧૦, બેટરી, ચાર્જર વાયર, વાયરીંગ,પંખા સહિતનો માલસામાન નુકસાન થયું હતું. જ્યારે પાછળના મકાનમાં આઉટડોર એ.સી, ડ્રેનેજ લાઇન સહિતની વસ્તુમાં નુકસાન થયું હતું.બીજા બનાવમાં પુણા પાટીયામાં લેન્ડ માર્ક પાસે કપડાના કટ પીસ સહિતના ગોડાઉનમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. આગના લીધે ત્યાં વધુ પ્રમાણમાં ધુમાડો નીકળવા માંડયો હતો. જેને લીધે આજુબાજુના લોકોમાં ભાગદોડ થઈ જવા પામી હતી. કોલ મળતા ફાયર લશ્કરો ઘટના સ્થળે અધડો કલાકે આગ બુજાવી હતી. આગના લીધે કટ પીસના કપડાનો જથ્થો, વાયરીંગ, પંખા સહિત ચીજ વસ્તુઓને નુકસાન થયું હતું. ત્રીજા બનાવમાં ભટારમાં આઝાદનગરમાં પોલીસ ચોકી પાસે નવસર્જન સોસાયટીમાં શનિવારે મોડી રાતે એમ્બ્રોઇડરી ખાતામાં મશીનમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. જેના લીધે ત્યાં ભાગદોડ થઇ જવા પામી હતી. કોલ મળતા ફાયરજવાનો ત્યાં પહોચીને અધડો કલાકમાં આગ ઓલવી હતી. આ ત્રણે બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.