સુરત કાપડ બજારમાં ફરી ઉઠમણાનો દોર શરૂ થયો છે. તાજેતરમાં સુરત ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ ૬૫ કરોડનું ઉઠમણું કર્યું હોવાની ચર્ચાથી વેપારીની ચિંતા વધી છે. ઉઠમણાથી ૧૦૦થી વધારે વેપારીઓના નાણા ફસાયા છે. ટેક્સટાઈલ માર્કેટમાં આ અત્યારસુધીનું સૌથી મોટું ઉઠમણનું છે. ટેક્સટાઈલ માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે ૬૫ કરોડ રૂપિયાનું ઉઠમણું વધીને ૯૦ કરોડ સુધી પહોંચવાની સંભાવના છે. તેવામાં વિવર્સ આગેવાનો આવતીકાલે આ મામલે રાજ્યના ગૃહમંત્રીને મળીને રજુઆત કરશે. ઉઠમણાના કેસમાં દિક્ષિત મિયાણી મુખ્ય આરોપી હોવાનું તેમજ અનાસ મોતયાણી અને સ્મિત છટબાર તેના સાગરીત હોવાનું ટેક્સટાઇલ વેપારીઓ કહી રહ્યા છે. આ મામલે હાલ કોઈ ફરિયાદ મળી નથી. સામે આવેલી તસવીરો પણ વેપારીઓ તરફથી વાયરલ કરવામાં આવી છે.
સુરત આંમ તો કાપડ માર્કેટનું સૌથી મોટું હબ છે. આ દરમિયાન કોરોના અને મંદી વચ્ચે એક વેપારી ૬૫ કરોડ રૂપિયાનું ઉઠમણું કરીને ફરાર થઇ જતા સમગ્ર કાપડ માર્કેટમાં ચકચાર મચી જવા પામી છે. ઉઠામણા બાદ વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સહારા દરવાજા, જૂની બોમ્બે માર્કેટની સામે આવેલી ગ્લોબ ટેક્સટાઈલ માર્કેટમાં છેલ્લાં થોડાં વર્ષોથી ટેક્સટાઈલ ટ્રેડિંગનો વેપારી કરતા ?૨૬ વર્ષના યુવકે ભાગીદારીમાં અલગ અલગ બે કંપનીઓ શરૂ કરી હતી. જે દોઢ વર્ષથી માર્કેટમાં દુકાન ભાડે રાખી વેપાર કરતો હતો. આ દરમિયાન વેપારી ગાયબ થતાં ઉધાર કાપડ આપનાર વિવર્સોની મુશ્કેલી વધી ગઈ હતી.
આ ૨૬ વર્ષ વેપારી આયોજનપૂર્વક ઉઠમણું કરી ૬૫ કરોડનો માલ લઇને રૂપિયા નહીં ચૂકવી દુકાન બંધ કરી દીધી છે. ભોગ બનનાર અમુક વિવર્સો હજી સામે આવી રહ્યાં નથી. પરંતુ કુલ ૯૦ કરોડ રૂપિયા સુધીનું ઉઠમણું થયું હોવાનું વિવર્સો કહી રહ્યાં છે.
ઉઠમણામાં ૧૦૦ વિવર્સોના રૂપિયા ફસાયા છે. હવે ઉઠમણું કરનાર પાર્ટીની દુકાન ખોલવા માટે પરવાનગી લેવામાં આવશે. ત્યારબાદ તેમાં જે માલ હશે તે ટકાવારી પ્રમાણે ભોગ બનેલા વિવર્સોને આપવામાં આવશે. ઉઠમણાના સમાચાર બાદ અમુક વિવર્સોએ ભાગી જનારા વેપારીના ઘરે અને તેમના ખાતા પર જઈને તપાસ કરી હતી. જાકે, તપાસ દરમિયાન ઉઠમણું કરનાર પાર્ટીએ ઘરનું અને ખાતાનું એડ્રેસ પણ ખોટું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ઉઠમણું કરનાર યુવકના પિતાને ફોન કરતાં તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.
હાલ ભોગ બનનારા વિવિર્સ ઉઠમણું કરનાર વિરુદ્ધ વિવિધ પુરાવા એકઠા કરી રહ્યા છે. આ મામલે હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ રજુઆત કરવામાં આવશે. બીજી તરફ જે દલાલો મારફતે માલ વેચાયો છે તેમનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ઉઠમણું કરનાર પાર્ટીએ જેમને માલ આપ્યો છે તેમનો પણ સંપર્ક થઈ રહ્યો છે. હાલ ૨૬ વર્ષના વેપારીએ કરેલા ઉઠમણાને પગલે હાલ કાપડ માર્કેટમાં ડરની સાથે સાથે ચિંતાનો માહોલ બની ગયો છે.