ધર્મનગરી તરીકે ઓળખાતું સુરત શહેર ફરી એકવાર ત્યાગ અને વૈરાગ્યના રંગમાં રંગાવા તૈયાર છે. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ અને નૂતન વર્ષના આરંભ સાથે જ સુરતની ધરતી પર સંયમ અને સાધનાના પવિત્ર સ્વર ગુંજી ઉઠ્યા છે. આગામી ૫ થી ૭ નવેમ્બર દરમિયાન પાલ વિસ્તારમાં ‘રોમે રોમે પરમ સ્પર્શ’ નામની ભવ્ય વાટિકા ખાતે ૧૩ મુમુક્ષુઓની સામૂહિક દીક્ષા વિધિ યોજાવાની છે. આ ત્રિદિવસીય દીક્ષા મહોત્સવ શહેર માટે માત્ર ધાર્મિક પ્રસંગ નહીં પરંતુ સંયમ અને ત્યાગના ઉત્સવ  સમાન બની રહ્યો છે.ત્રણ દિવસનો પવિત્ર મહોત્સવ – આ ભવ્ય દીક્ષા મહોત્સવનું આયોજન શ્રી પરમ-જિન-ભદ્ર-શાંતિ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ તથા આચાર્ય ૐકારસૂરિ આરાધના ભવનના ઉપક્રમે થઈ રહ્યું છે. મહોત્સવ દરમિયાન ભક્તિયોગાચાર્ય આચાર્ય ભગવંત યશોવિજયસૂરિ મહારાજ, શાસ્ત્રોસંશોધક આચાર્ય ભગવંત મુનિચંદ્રસૂરિ મહારાજ, વૈરાગ્યવારિધિ આચાર્ય ભગવંત કુલચંદ્રસૂરિ મહારાજ સહિત ૫૦૦થી વધુ જૈન સંતોની પાવન નિશ્રા સુરતને ધન્ય બનાવશે. પ્રથમ દિવસે, એટલે કે ૫મી નવેમ્બરે, સવારે શ્રી શાંતિધારા અભિષેક તથા બપોરે છાબ ભરવાની વિધિ અને મહેંદી રસમ યોજાશે. સાંજે ‘ત્યાગનું સન્માન’ બહુમાન સમારોહ અને દીક્ષાર્થી બહેનોના ભાવસભર વક્તવ્યોથી રાત્રિ ધર્મમય બનશે.બીજા દિવસે, ૬ઠ્ઠી નવેમ્બરે, સવારે ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળશે જેમાં મુમુક્ષુઓ દાનની સરવાણી વહાવશે. આ યાત્રા શહેરના અનેક ધર્મપ્રેમી નાગરિકો માટે પ્રેરણારૂપ બનશે. સાંજના સમયે દીક્ષાર્થીઓ તેમના સંસારી જીવનનો અંતિમ ભોજન કરશે અને રાત્રે ‘પ્રભુમિલનની પ્યાસ’ કાર્યક્રમમાં આત્મસંવાદ અને સંકલ્પો રજૂ કરશે.આ ત્રિદિવસીય મહોત્સવનો મુખ્ય તબક્કો ૭મી નવેમ્બર, શુક્રવારે યોજાશે. વહેલી સવારે ૫ઃ૦૪ કલાકે દીક્ષાર્થીઓનો મંડપ પ્રવેશ થશે અને ૮ઃ૩૦ કલાકે આચાર્ય યશોવિજયસૂરિ મહારાજાના પાવન હસ્તે રજાહરણ વિધિ યોજાશે. આ રજાહરણ વિધિ જૈન સંયમ માર્ગમાં પ્રવેશનો સૌથી પવિત્ર ક્ષણ ગણાય છે. આ વિધિ પૂર્ણ થતાં જ આ તમામ ૧૩ મુમુક્ષુઓ સાધુ-સાધ્વીજી તરીકે દીક્ષિત થશે અને તેમની નવી અધ્યાત્મિક યાત્રાનો આરંભ કરશે.આ દીક્ષા લેનારા ૧૩ મુમુક્ષુઓમાંથી ૧૧ દીક્ષાર્થીઓ સુરત શહેરના જ છે, જે શહેરની ધર્મ પ્રત્યેની ઊંડી આસ્થાનું પ્રતિબિંબ છે. સૌથી વિશેષ વાત એ છે કે એક જ પરિવારના ત્રણ સભ્યો – મનોજભાઈ, ઇન્દુબેન અને વૃષ્ટિક કોરડીયા – પણ દીક્ષા લઈ સંયમમાર્ગે પ્રયાણ કરશે.એક જ પરિવારમાંથી ત્રણે વ્યક્તિઓનું વૈરાગ્ય માર્ગ અપનાવવું, સુરતના ધર્મમય સંસ્કારની અનોખી સાક્ષી બની રહ્યું છે.ધર્મની ભાવનાથી પ્રેરાયેલાં ૧૩ સંયમવીર-૧. મનોજભાઈ વાડીલાલ કોરડીયા,૨. ઇન્દુબેન મનોજભાઈ કોરડીયા,૩. વૃષ્ટિક મનોજભાઈ કોરડીયા,૪. કાવ્ય હસમુખભાઈ કોરડીયા,૫. રંજનબેન સુભાષભાઈ જૈન,૬. રાહુલ સુભાષભાઈ જૈન,૭. ભવ્ય રાજેશકુમાર મહેતા,૮. જયાન મૌલિકભાઈ લાલણ,૯. શ્રેયા જયેન્દ્રભાઈ વોરા,૧૦. જીલ્સી ખેતેન્દ્રકુમાર મહેતા,૧૧. વૃષ્ટિ જીગ્નેશભાઈ શાહ,૧૨. ત્યાગી નરેશભાઈ શેઠ,૧૩. પર્ષદા ભાવિનભાઈ શાહ આ દરેક મુમુક્ષુએ ભૌતિક સુખ-સગવડ છોડીને આત્મકલ્યાણ અને શાંતિના માર્ગે પગલાં ભરવાનો સંકલ્પ લીધો છે. તેમના આ નિર્ણયથી સુરતની જૈન સમુદાયમાં અનોખો ઉત્સાહ અને ભક્તિભાવનું માહોલ છવાઈ ગયો છે. સુરત હંમેશાંથી જૈન સાધુસંતોની ઉપસ્થિતિથી ધન્ય બન્યું છે.