સ્માર્ટ સિટી સુરતની નવી સિવિલ હાસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હાસ્પિટલના શૌચાલયમાં મહિલા મૃત બાળકને જન્મ આપીને તરછોડીને જતી રહી અને કોઈને ખબર પણ ન પડી. જ્યારે આ કિસ્સો સામે આવ્યો ત્યારે સુરતની નવી સિવિલની બેદરકારી છાપરે ચડીને પોકારી ઉઠી છે. હવે શું છે આ ઘટના અને કોણ છે નવજાતને ત્યજનાર જનેતા. આ ઘટના બાદ બાળકીની માતાની પોલીસ શોધખોળ કરી રહી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતની નવી સિવિલ હાસ્પિટલના ટ્રોમા સેન્ટરના શૌચાલયમાં નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. સોમવારે રાત્રે ટોયલેટના ટબમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. અધુરા માસે જન્મેલા પાંચ મહિનાના મૃત બાળકને શૌચાયલમાં જ છોડી મહિલા ગાયબ થઈ ગઈ હતી. રાત્રે આટલું બધુ થઈ ગયું અને હાસ્પિટલના સ્ટાફને ખબર છેક મંગળવારે સવારે પડી હતી. સવારે સફાઈ કર્મચારીએ શૌચાલયમાં બાળકનો મૃતદેહ જાતા જ ચોંકી ઉઠ્‌યો હતો અને સમગ્ર ઘટના સામે આવી ગઈ હતી. આ ઘટના બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું. અધૂરા માસે જન્મેલી બાળકીના મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ઘટના બહાર આવતા ભારે હોબાળો થયો હતો અને સિવિલના પ્રશાસકો પર પસ્તાળ પડતા એક્શનમાં આવી ગયા હતા. સીસીટીવીના આધારે શંકાસ્પદ મહિલાની તેઓ તપાસ કરી રહ્યા છે.
સિવિલના સત્તાધીશોની ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે. બાળકની માતાને શોધવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. ત્યારે સવાલ એ છે કે, હાસ્પિટલમાં કોઈ મહિલા બાળકને જન્મ આપી, તેને ત્યજીને જતી રહે અને કોઈને ખબર પણ ન થાય? શું બેદરકાર કર્મચારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે પછી તંત્ર આવી જ રીતે કામ કરતું રહેશે?