શહેરમાં ૧૩ વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી સુરતના પુણા ગામની ટ્યુશન શિક્ષિકાએ ગર્ભપાત કરાવવાની અરજીને મંજૂરી મળી ગઈ છે. તબીબના અભિપ્રાય બાદ સુરતની સ્પેશિયલ કોર્ટ (પોક્સો) ના જજ રાકેશ ભટ્ટે ગ્રાહ્ય રાખીને ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ કર્યો છે. શિક્ષિકાએ આ ગર્ભ ૧૩ વર્ષના વિદ્યાર્થીનો હોવાનો દાવો કર્યો છે. આ બંને છેલ્લા એક વર્ષથી શારીરિક સંબંધ ધરાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
સુરતના પુણા વિસ્તારમાં ૨૩ વર્ષની ટ્યુશન શિક્ષિકા ૧૩ વર્ષના વિદ્યાર્થી સાથે સંબંધ રાખ્યો હતો. તે બંને ઘર છોડીને સાથે જતા રહ્યા હતા. જાકે, પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા. શિક્ષિકા સામે પોક્સો એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો. ત્યારબાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ દરમિયાન શિક્ષિકાએ ગર્ભપાત કરાવવાની મંજૂરી માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ત્રણ તબીબો પાસે અભિપ્રાય મંગાવ્યો હતો. અભિપ્રાય મુજબ બાળક કુપોષિત જન્મે તેવી શક્યતા છે અને ગર્ભપાત શિક્ષિકાના હિતમાં હોવાને કારણે શિક્ષિકાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતો હુકમ કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને એક અઠવાડિયામાં પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ અપાયો છે. ત્યારબાદ શિક્ષિકાનો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા જણાવાયું જેમાં શિક્ષિકા સ્વસ્થ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપીને લાજપોર જેલમાં મોકલવા હુકમ કરાયો છે.
આપને જણાવીએ કે, શિક્ષિકા અને વિદ્યાર્થીને ગુજરાત રાજસ્થાનની બોર્ડર પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બાદ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે અનેકવાર શારીરિક સંબંધ પણ બંધાયા છે. તો આ કેસમાં હવે બંનેના તબીબી પરીક્ષણ દરમિયાન નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરતના પરવત પાટિયા વિસ્તારમાં રહેતા દુકાનદારના ૧૩ વર્ષના પુત્રનું તેની જ સ્કૂલની શિક્ષિકા અને તે જેને ત્યાં ટ્યુશન કરવા જતો હતો તે શિક્ષિકા માનસી રજનીકાંત નાઈએ અપહરણ કર્યાની ફરિયાદ પુણા પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ શિક્ષિકા મૂળ મહેસાણાની અને હાલ વિદ્યાર્થીના ઘર પાસે જ રહેતી હતી.
નોંધનીય છે કે, સુરતમાં મૂળ રાજસ્થાનના દુકાનદારનો ૧૩ વર્ષનો મોટો દીકરો તેની શિક્ષિકા માનસી રજનીકાંત નાઈ (ઉં.વ. ૨૩)ને ત્યાં ટ્યુશન જતો હતો. તેની સ્કૂલમાં પણ એ જ શિક્ષિકા હતી. વિદ્યાર્થી ૨૫ એપ્રિલના રોજ બપોરે એપાર્ટમેન્ટની નીચે રમવા ગયા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યો ન હતો. જે ગુમ થતા માતા-પિતાએ શોધખોળ કરી હતી. જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા તે તેની ટ્યુશન ટીચર માનસીનો હાથ પકડીને જતો દેખાય છે. આ પછી જ્યારે વિદ્યાર્થીના માતા-પિતા ટ્યુશનના ટીચરના ઘરે ગયા હતા. જ્યાં ટીચરના માતાએ તેમની દીકરી ઘરે આવી ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે ટીચરનો ફોન બંધ આવતો હોવાથી વિદ્યાર્થીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ચાર દિવસે પોલીસ તેમને લઈને સુરત આવી હતી અને તેમની પૂછપરછ કરતા માનસીએ પરિવારે ઘરકામ બાબતે ઠપકો આપે છે તેમ જણાવ્યું હતું. જેમ જેમ પોલીસની તપાસ આગળ વધી તેમ તેમ અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. બંને સુરતથી વડોદરા, અમદાવાદ, દિલ્હી, વૃંદાવન, જયપુર ગયા હતા અને તે દરમિયાન વડોદરામાં રોકાયા ત્યારે ફરી સંબંધ બાંધ્યો હતો.










































