સુરતના સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા ભારત- પાકિસ્તાનની કાશ્મીર બોર્ડર પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું શ્રીનગરના BSF કેમ્પસમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ આયોજન ઘનશ્યામ બિરલાની આગેવાનીમાં કરાયું હતું. શ્રીનગર બોર્ડર પર ફરજ બજાવતા ૬૦ બટાલિયનના ૧૦૦૦ સૈનિકો સાથે દિવાળીના તહેવારોની ઉજવણી મીઠાઈ, સાડી અને હોટ ટિફિન બોક્ષ આપીને કરવામાં આવી હતી. આ અંગે સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલાએ જણાવ્યું હતું કે, અમારી ટીમના ૧૨ મેમ્બરો સુરતથી શ્રીનગરની ઊંચી પર્વત માળા શ્રીનગર ચોકી, ગુપ્કાર રોડ, સોનવાર, બોટનિકલ ગાર્ડન, ટ્વેન્ટી નાઈન હટ, જબ્બરવન હિલ જેવા દુર્ગમ પહાડી વિસ્તારમાં રાત્રે ૩થી ૪ ડિગ્રી ઠંડીમાં જીવના જોખમે દેશની રક્ષા કરે છે તેવી દરેક ચોકી પર રૂબરૂ મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરીને તેની મુશ્કેલીઓ જાણી હતી. આ ટૂરમાં ટ્રસ્ટી મનસુખ લાખાણી, ડો મધુકાંત ગોંડલિયા, ઘનશ્યામ પાધરા, રમેશ ભાદાણી, હરેશ માંગરોળીયા, જે.ડી. પટેલ, મહેશ કયાડા, બાબુ વેકરિયા, ચેતન ભાલાળા, દુર્લભ નશીત, નીલેશ વોરા વગેરે જોડાયા હતા.







































